હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024 હવે રોમાંચક ચરણમાં પહોંચી છે. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ(SRH) વચ્ચેની મેચ હાલ ચર્ચાનો વિષય બની છે. SRHના ઓપનીંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ(Travis Head) અને અભિષેક શર્મા(Abhishek Sharma)ની ધમાકેદાર બેટીંગને કારણે LSGને 10 વિકેટે કારમી હાર મળી હતી.
ક્રિકેટ જગતમાં બંનેની બેટિંગની પ્રસંશા થઇ રહી છે. આ સાથે મેચ પછી LSGના માલિક સંજીવ ગોએન્કા(Sanjeev Goenka)ની કેપ્ટન કેએલ રાહુલ(KL Rahul) સાથે વાતચીતનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, એક વિડીયોમાં ગોએન્કા કે.એલ.રાહુલને જાહેરમાં ખખડાવતા હોય એવું જોવા મળે છે.
વાયરલ થઇ રહેલો વિડીયોમાં દેખાય છે કે સંજીવ ગોએન્કા કે.એલ.રાહુલને શિખામણ આપી રહ્યા છે, મેચના નિરાશાજનક પરિણામ બદલ ગોએન્કા કે એલ રાહુલ પર ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા. આ વિડીયો જોઈને લોકો ગોએન્કાની ટીકા કરી રહ્યા છે, ભારતની રાષ્ટ્રીય ટીમમાં રમીને દેશનું પ્રતિનિધત્વ કરતા ખેલાડી સાથે આવું વર્તન કરવા બદલ ક્રિકેટ રસિકો ગોએન્કાની ટીકા કરી રહ્યા છે.
આ ઘટના ચર્ચામાં આવ્યા બાદ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી(Mohammed Shami) પણ તેના સાથી ખેલાડીના સમર્થનમાં આવ્યો છે. ક્રિકેટ અંગે રીપોર્ટીંગ અક્રતી કે વેબસાઈટ સાથે વાત કરતા શમીએ કહ્યું કે ગોએન્કાએ રાહુલના સાથે જે વર્તન કર્યું એ શરમજનક છે.
શમીએ કહ્યું “ખેલાડીઓનું સન્માન કરવું જરૂરી છે, તમે એક આદરણીય વ્યક્તિ પણ છો, કારણ કે તમે ટીમના માલિક છો. ઘણા લોકો તમને જોઈ રહ્યા છે અને તમારી પાસેથી શીખી રહ્યા છે. જો આવી ઘટનાઓ કેમેરાની સામે થાય તો…એ શરમની વાત છે.”
શમીએ કહ્યું કે “જો તમારે વાત કરવી હતી, તો ઘણા રસ્તાઓ હતા. તમે ડ્રેસિંગ રૂમ અથવા હોટેલમાં વાત કરી શક્યા હોત. મેદાન પર આવું કરવું જરૂરી નહોતું. આવી પ્રતિક્રિયા આપીને તમે લાલ કિલ્લા પર ઝંડો નથી ફરકાવ્યો, આ શરમજનક છે.”
શમીએ કે એલને સમર્થન આપતા કહ્યું કે રમતમાં કંઈપણ થઈ શકે છે અને તમારા કેપ્ટન પર જાહેરમાં ગુસ્સો કરવો અયોગ્ય છે.
SRH સામેની હાર સાથે, સુપર જાયન્ટ્સનો પ્લેઓફનો પ્રવેશ મુશ્કેલ જણાઈ રહ્યો છે, છ જીત અને છ હાર સાથે LSG ટીમ હાલમાં ટેબલ પર છઠ્ઠા સ્થાને છે.