મોહમ્મદ શમીએ ફાર્મ હાઉસમાં આ શું કર્યું? ચાહકોને વિચારતા કરી દીધા…

લખનઊ: ભારતના ટોચના પેસ બોલર્સમાં ગણાતો મોહમ્મદ શમી મેદાન પરથી અથવા અંગત જીવનમાં કોઈકને કોઈક રીતે ન્યૂઝમાં ચમકતો રહેતો હોય છે. પ્રાઇવેટ લાઇફમાં તેની ચર્ચા ખાસ કરીને વર્ષોથી તેનાથી અલગ રહેતી પત્ની હસીન જહાં (Hasin Jahan) વિશેની હોય છે અને નવી જાણકારી પણ તેને લગતી જ છે. વાત એવી છે કે શમીએ 15 કરોડની કિંમતના પોતાના ફાર્મહાઉસને પત્નીના નામ પરથી જ ‘હસીન’ નામ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સમુદાયની મોટી વસ્તી ધરાવતા અમરોહા શહેર નજીકના ગામમાં જ ઉછરેલો મોહમ્મદ શમી (Mohammed Shami) આ જ ગામમાં વિશાળ ફાર્મહાઉસ (farmhouse)ની માલિકી ધરાવે છે. 150 વીઘા જમીન પરના આ ફાર્મહાઉસને તેણે રમણીય બનાવ્યું છે અને એમાં અનેક સુવિધાઓ તૈયાર કરાવી છે.
હસીન જહાંએ ક્યા આક્ષેપો કર્યાં હતા?
હસીન જહાં અને શમી વર્ષોથી એક બીજાથી અલગ રહે છે. હસીન જહાંએ શમીને છોડીને ગયા પછી તેની વિરુદ્ધ સતામણી તથા બેવફાઈથી માંડીને મૅચ-ફિક્સિંગ તથા હત્યાના પ્રયાસ સુધીના આક્ષેપો કર્યા છે. જોકે પત્નીથી અલગ થયા પછી કરીઅરમાં મોટા ભાગે અધોગતિ જોનાર શમીએ પત્નીના નામનો સારી રીતે ઉપયોગ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.
શમીના ગામમાં કે અમરોહા શહેરમાં કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં અને સોશિયલ મીડિયા પર શમીની ફરી ચર્ચા થવા લાગી છે.
પોતાના આ મોંઘાદાટ ફાર્મહાઉસને ‘હસીન’ નામ આપીને તેણે સૌને વિચારતા કરી દીધા છે. શમીના આ નિર્ણય પરથી એવી ચર્ચા થવા લાગી છે કે પત્ની હસીન જહાં સાથે તેનું સમાધાન થઈ રહ્યું છે. ખુદ શમીએ આ વિશે કોઈ પુષ્ટિ નથી આપી, પરંતુ લોકોમાં એવી ચર્ચા છે કે આ લક્ઝુરિયસ ફાર્મહાઉસને શમીએ પત્નીનું નામ આપ્યું છે એટલે કહાનીમાં કંઈક તો ટ્વિસ્ટ આવ્યું જ હશે. શમીનો પરિવાર દાયકાઓથી ખેતીના વ્યવસાયમાં છે. પરિવારના બધા સભ્યોને ક્રિકેટ ખૂબ પ્રિય છે.
ફાર્મહાઉસમાં અનેક સુવિધાઓ
મોહમ્મદ શમીના વિશાળ ફાર્મહાઉસમાં બંગલો, સ્વિમિંગ પૂલ, રેસ્ટ હાઉસ તેમ જ કેરીના ઘણા ઝાડ પણ છે. શમીએ ફાર્મહાઉસ નજીકના મેદાનમાં ક્રિકેટ પિચ પણ બનાવી છે. 2020ની સાલમાં કોવિડ-19ની મહામારી વખતે લોકડાઉન દરમ્યાન ભુવનેશ્વર કુમાર અને સુરેશ રૈના પ્રેક્ટિસ માટે શમીના આ ફાર્મહાઉસમાં ઘણીવાર આવ્યા હતા.

હસીન જહાં અગાઉ ચિયરલીડર હતી
2012ની આઈપીએલ દરમ્યાન હસીન જહાં કોલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની ટીમ વતી ચિયરગર્લ તરીકે પર્ફોર્મ કરતી હતી. એ વખતે શમી પહેલી વાર તેને મળ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું. 2014માં તેમણે લગ્ન કર્યા હતા અને હસીન જહાંએ 2015માં બાળકીને જન્મ આપ્યો હતો જેનું નામ આયરા રાખવામાં આવ્યું છે. 2018ની સાલમાં શમી અને હસીન જહાં વચ્ચેના સંબંધો બગડવાના શરૂ થયા હતા અને હસીન જહાંએ તેની સામે આક્ષેપો શરૂ કર્યા હતા. શમીએ તમામ આક્ષેપો ખોટા ગણાવ્યા હતા તેમ જ શમીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ જણાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શમી વિરુધ્ધના આક્ષેપોમાં ખાસ કરીને ફોજદારી ગુનાને લગતા આક્ષેપને સૌથી ગંભીર ગણ્યો હતો. જોકે થોડા મહિના બાદ બીસીસીઆઇએ શમીને ક્લીન ચિટ આપી એને પગલે શમીનો ફરી ભારતીય ટીમમાં સમાવેશ થયો હતો અને તે આંતરરાષ્ટ્રીય મૅચો ફરી રમવા લાગ્યો હતો.
આપણ વાંચો : મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું