શમીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! આ આ સિરીઝમાં કમબેક કરી શકે છે, BCCIએ આપ્યા આવા સંકેત

મુંબઈ: ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરનાર ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકટ રમ્યો નથી. ચાહકો આરોપ લગાવી રહ્યા છે કે BCCIના સિલેક્ટર્સ તમામ ફોર્મેટમાં તેની અવગણના કરી રહ્યા છે, બીજી તરફ સિલેક્ટર્સ તેના ફોર્મ અને ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. એવામાં ભારતીય ટીમમાં શમીના કમબેક માટે આશાની કિરણ સમાન અહેવાલ છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે સિલેક્ટર્સ ODI વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સ ડોમેસ્ટિક ક્રિકેટમાં 35 વર્ષીય શમીના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે.
શમી સિલેકટર્સના રડારમાં:
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે હાલ શમી ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની સ્થિતિમાં નથી. પણ મહત્વની વાત એ છે કે BCCI તેના પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે, એનો મતલબ એ છે કે તને સાવ પડતો મુકવામાં આવ્યો નથી, તે કમબેક કરી શકે છે.
એક અહેવાલમાં BCCIને અધિકારીને ટાંકી કહેવામાં આવ્યું કે સિલેક્ટર્સ મોહમ્મદ શમી અંગે નિયમિતપણે ચર્ચા કરી રહ્યા છે. તે સિલેકશનના રડારથી બહાર નથી. અનુભવી શમી વિકેટ લેવાની ક્ષમતા છે.
BCCIએ શમીની અવગણના કરી?
શમી છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે નવ વિકેટ લીધી હતી. જોકે, ત્યારથી તે ભારતીય ટીમમાંથી બહાર છે, ટીમમાંથી તેની બાદબાકી અંગે અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા હતાં.
અહેવાલ મુજબ આ વર્ષે ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ માટે શમીના નામ પર ચર્ચા કરવામાં આવી હતીં, પરંતુ શમીએ પોતે પોતાની ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની બેસ ટેસ્ટ મેચની સિરીઝ અને ઓસ્ટ્રેલિયા ODI-T20I પ્રવાસ માટેની ટીમમાંથી પણ તેને બાકાત રાખવામાં આવ્યો હતો.
ત્યાર બાદ શમીએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી, શમીએ જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે ફિટ છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો. ત્યાર બાદ ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો હતો, ત્યાર બાદ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે શમીના દાવાઓનો જવાબ આપ્યો હતો.
ક્યારે થઇ શકે છે શમીનું કમબેક?
માર્ચમાં 2026ના T20 વર્લ્ડ કપના સમાપ્ત થયા બાદ BCCI ODI ક્રિકેટ પર વધુ ધ્યાન આપશે, ત્યાર બાદની ODI સિરીઝમાં શમીને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
અન્ય એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ODI સિરીઝમાં પણ શમી કમબેક કરી શકે છે, કેમ કે વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.



