મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની સુપ્રીમ કોર્ટમાં અરજી: મહિને ₹ 4 લાખનું ભરણપોષણ અપૂરતું

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ કોલકાતા હાઇ કોર્ટના માસિક ₹4 લાખ ભરણપોષણના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી હતી કે આ રકમ “ખૂબ જ વાજબી” લાગે છે. શમીની જીવનશૈલી અને તેના એ-લિસ્ટ રાષ્ટ્રીય ક્રિકેટરનાં દરજ્જાને ટાંકીને અરજીમાં કલકત્તા હાઇ કોર્ટ દ્વારા ૧ જુલાઈના રોજ પસાર કરાયેલા આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં પત્ની માટે ₹૧.૫ લાખ ભરણપોષણ અને તેમની પુત્રી માટે ₹ ૨.૫ લાખ દર મહિને ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં ૨૫ ઓગસ્ટના ડિવિઝન બેન્ચે આ આદેશને સમર્થન આપ્યું હતું. વર્તમાન અપીલમાં બંને આદેશને પડકારવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ક્રિકેટર મોહમ્મદ શમીને હાઈકોર્ટનો આદેશ, પત્ની હસીન અને પુત્રીને ભરણ પોષણની રકમ વધારી…
ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ઉજ્જલ ભૂયાનની SC બેન્ચે સવાલ કર્યો હતો કે તમે આ કેમ દાખલ કર્યું છે? શું દર મહિને ₹ ૪ લાખ ખૂબ સુંદર નથી?”. અગાઉ, ટ્રાયલ કોર્ટે શમીને તેની પુત્રીના માસિક ભરણપોષણ માટે ₹૮૦,૦૦૦ દર મહિને અને જહાન માટે ₹ ૫૦,૦૦૦ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ અરજીને બાદમાં હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી, જેના કારણે રકમમાં વધારો થયો હતો. જહાન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા અને વકીલ શ્રીરામ પરકટ્ટે દલીલ કરતા જણાવ્યું હતું કે શમીની આવક કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ભરણપોષણની રકમ કરતા ઘણી વધારે છે.
આ પણ વાંચો : મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું
પ્રતિવાદી નંબર ૨ (શમી) વૈભવી જીવન જીવી રહ્યો છે અને અરજદાર અને સગીર પુત્રીને ભરણપોષણની યોગ્ય રકમ ન પૂરી પાડવાના એકમાત્ર હેતુથી જાણી જોઈને કોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
શમી દ્વારા હાઈ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા મુજબ તેમનો માસિક ખર્ચ ₹ ૧.૦૮ કરોડથી વધુ હોવાનું ટાંકવામાં આવ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની કુલ સંપત્તિ આશરે ₹ ૫૦૦ કરોડ હોવાનો અંદાજ છે અને પત્ની લગ્નથી બેરોજગાર છે અને તેની અને તેના બાળકની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી.



