સ્પોર્ટસ

IND vs PAK મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીએ અભિષેક શર્માનું અપમાન કર્યું! જાણો શું કહ્યું

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આવતા રવિવારે બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હમેશાંની જેમ આ વખતે પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ રસાકસીભરી રહે તેવી પૂરી શક્યતા છે. મેચ પહેલા મેદાનની બહાર માહોલ ગરમાઈ રહ્યો છે,પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિરે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી અભિષેક શર્મા પર નિશાન સાધ્યું છે.

નોંધનીય છે કે ભારતીય ટીમનો ઓપનિંગ બેટર અભિષેક શર્મા પેટમાં ઇન્ફેકશન થતા બીમાર છે. અભિષેક પાકિસ્તાન સામેની મેચમાં રમશે કે નહીં એ હજુ નક્કી નથી. પાકિસ્તાની ટીમ પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પાકિસ્તાની ચેનલ પર ચર્ચા દરમિયાન, અભિષેકને ‘સ્લોગર’ (જોરથી હાથ ફેરવવા વાળો) કહ્યો. આમીરે કહ્યું અભિષેકના નિષ્ફળ જાય તેવી શક્યતા વધુ છે, કારણ કે તે ખૂબ જ જોખમી ક્રિકેટ રમે છે. તેણે અભિષેકની ટેકનિક પર પણ સવાલ ઉઠાવ્યા.

મોહમ્મદ આમિરે કહ્યું, “મેં જેટલું જોયું છે, એ મુજબ મને લાગે છે કે તે માત્ર એક સ્લોગર ખેલાડી છે. તે દરેક બોલને જોરથી ફટકારે છે. જે દિવસે તે રમી જાય તે દિવસે ઠીક છે; પરંતુ, તે નિષ્ફળ જવાના ચાન્સ વધુ છે. તે 8 ઇનિંગ્સમાં એક વાર મોટો સ્કોર બનાવી શકે છે, બાકી તે સ્કોર 10, 15, અને 20ના સ્કોર પર આઉટ થઇ જાય છે. મને નથી લાગતું કે તેની ટેકનિક યોગ્ય છે.”

અભિષેક સ્વિંગ બોલ નથી રમી શકતો!
આમિરે અભિષેકની બેટિંગ સ્ટાઈલ અંગે કહ્યું, “તે ફક્ત એક જગ્યાએ ઉભો રહે છે અને એવું ધારે છે કે બધા બોલ એક ચોક્કસ એરિયામાં પડે, આ મારો પ્રામાણિક અભિપ્રાય છે. હું એમ પણ કહી રહ્યો છું કે તે મેદાનમાં ઉતરશે તે દિવસે મોટો સ્કોર બનાવશે. તે સામે વાળી ટીમને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તેની સ્ટાઈલ ખુબજ જોખમી છે. હું તેને ત્યારે જ સારો બેટર માનીશ, જ્યારે બોલ થોડો સ્વિંગ થઈ રહ્યો ત્યારે, તેને સારી રીતે ટેકલ કરે અને એટલા જોરથી જ સ્મેશ કરે.”

શો દરમિયાન આમિરે અભિષેકની ખામીઓ અંગે પણ ધ્યાન દોર્યું, તેણે કહ્યું કે અભિષેકને રોકવા તેના શરીર પર બોલિંગ કરવી.

અભિષેકના ચાહકો નારાજ:
નોંધનીય છે કે ICC T20 બેટર્સ રેન્કિંગમાં અભિષેક પહેલા નંબર પર. વિશ્વના નંબર 1 T20 બેટર સામે આમીરની આવી ટીપ્પણીથી અભિષેકના ચાહકો નારાજ થયા છે, સોશિયલ મીડિયા આમીરની ટીકા કરવામાં આવી રહી છે. ચાહકો કહી રહ્યા છે કે અભિષેક તેના બેટ વડે મેદાનમાં પાકિસ્તાની બોલરોને જવાબ આપશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button