મિશેલ સ્ટાર્ક બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
કેકેઆરએ ૨૪.૭૫ કરોડમાં ખરીદ્યો
દુબઇ: ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ઇન્ડિયન પ્રિમિયર લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ ખેલાડીને ૨૪ કરોડ ૭૫ લાખ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતા ઉપરાંત ગુજરાત ટાઇટન્સે પણ આ ખેલાડી માટે ૨૪.૫૦ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. તે સિવાય ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ સ્ટાર્કે થોડા જ સમયમાં કમિન્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
સ્ટાર્ક છેલ્લા આઠ વર્ષથી આઈપીએલમાં રમ્યો નથી. આ વખતે તેણે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર આઈપીએલમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. જ્યારે તેનું નામ આઇપીએલ ૨૦૨૪ની હરાજીમાં આવ્યું ત્યારે દિલ્હી કેપિટલ્સે સૌથી પહેલા તેના નામ પર બોલી લગાવવાનું શરૂ કર્યું. દિલ્હીની સાથે મુંબઈ ઈન્ડિયન્સે પણ સ્ટાર્ક માટે મોટી બોલી લગાવી હતી પરંતુ તે પછી મિશેલ સ્ટાર્ક માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે જંગ શરૂ થયો હતો. કોલકાતા અને ગુજરાત બંને ટીમો પાસે ૩૧ કરોડ રૂપિયાથી વધુ હતા, તેથી બંનેએ ૨૦ કરોડ રૂપિયાથી ઉપર સુધી નોન-સ્ટોપ બોલી લગાવી હતી.
પેટ કમિન્સનો ૨૦.૭૫ કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડીને સ્ટાર્કને આખરે ૨૪.૭૫ કરોડ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટાર્કે તેની છેલ્લી આઈપીએલ ૨૦૧૫માં રમ્યો હતો. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ ૨૭ મેચ રમી છે. આ મેચોમાં તેણે ૨૦.૩૮ની એવરેજ અને ૭.૧૭ના ઈકોનોમી રેટથી કુલ ૩૪ વિકેટ ઝડપી છે.