
ઓસ્ટ્રેલિયા તેની આગામી મેચ શનિવારે ઈંગ્લેન્ડ સામે રમવાનું છે ત્યારે એ પહેલા પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયનને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો છે. આ સ્થિતિમાં તે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભાગ નહીં લે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓલરાઉન્ડર અનિશ્ચિત સમય માટે ટૂર્નામેન્ટમાંથી બહાર છે. તે સ્પષ્ટ નથી કે મિશેલ માર્શ ફરીથી ટીમમાં સામેલ થશે કે નહીં. તેના બદલે કોણ રમશે તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી.
માર્શ પહેલા, ગ્લેન મેક્સવેલ ગોલ્ફ સંબંધિત ઘટનાના પગલે ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, મિચેલ માર્શની ટીમમાં વાપસીની તારીખ નિયત સમયે નક્કી કરવામાં આવશે. મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય સભ્યોમાંથી એક છે. તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી.
મિચેલ માર્શની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમ કેમરૂન ગ્રીનને તક આપી શકે છે. કેમેરોન ગ્રીને હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં બે મેચ રમી હતી, પરંતુ પ્રભાવ પાડી શક્યો ન હતો. તેણે ભારત અને નેધરલેન્ડ સામેની મેચમાં અનુક્રમે 8-8 રન બનાવ્યા હતા. તેમજ તે વિકેટ લેવામાં પણ નિષ્ફળ રહ્યો છે.