અશ્વિનના બૉલમાં મિચલ માર્શ આઉટ હતો, થર્ડ અમ્પાયર પણ ભૂલ કરી બેઠા?
ઍડિલેઇડઃ થોડા વર્ષોથી ફીલ્ડરોની અપીલ પર થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) દ્વારા ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) હેઠળ નિર્ણય આપવાની પ્રથા છે એટલે મેદાન પરના અમ્પાયરોના માથા પરથી બોજ ઉતરી ગયો છે. જોકે થર્ડ અમ્પાયર જ ભૂલ કરે તો કોને કહેવું! અહીં આજે મિચલ માર્શના કિસ્સામાં એવું જ બન્યું.
બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટના બીજા દિવસે માર્શની વિકેટના મુદ્દે વિવાદ થઈ ગયો. આ વિવાદ થર્ડ અમ્પાયરના ફેંસલાને લઈને હતો. તેમનો એ ફેંસલો ભારતીય ટીમની વિરુદ્ધમાં ગયો હતો. ફરી એક વાર સ્નિકો ટેક્નિક ચર્ચાસ્પદ થઈ છે.
ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં 58મી ઓવર રવિચન્દ્રન અશ્વિને કરી હતી. એ ઓવરનો એક બૉલ મિચલ માર્શને પૅડ પર વાગ્યો હતો અને અશ્વિને એલબીડબ્લ્યૂની જોરદાર અપીલ કરી હતી, પરંતુ ફીલ્ડ અમ્પાયરે માર્શને નૉટઆઉટ જાહેર કર્યો હતો.
આપણ વાંચો: આઇસીસીએ થર્ડ અમ્પાયરને કઈ જવાબદારીમાંથી કર્યા મુક્ત?
ત્યાર બાદ ડીઆરએસની મદદ લેવામાં આવી અને થર્ડ અમ્પાયર રિચર્ડ કેટલબરૉએ બૉલ પહેલાં બૅટને લાગી હતી કે પૅડને એ વિશે રિપ્લેમાં કોઈ મજબૂત પુરાવા ન મળતાં ફીલ્ડ અમ્પાયરને નૉટઆઉટ'ના નિર્ણયને વળગી રહેવાની સલાહ આપી હતી. ભારતે એક રિવ્યૂ ગુમાવી, પરંતુ હકીકતમાં ભારતની અપીલ સાચી હતી.
રિવ્યૂમાં અલ્ટ્રા-એજ ટેક્નિકની મદદ લેવામાં આવી હતી જે ભારતની વિરુદ્ધમાં રહી હતી. વિરાટ કોહલીએ પણ મેદાન પર થર્ડ અમ્પાયરના ફેંસલા સામે પ્રતિક્રિયા આપી હતી. મામલો ત્યાં જ ખતમ નહોતો થયો.
થર્ડ અમ્પાયરના ફેંસલા બાદ થોડી વાર પછી ભારતની માર્શ સામેની અપીલ સંબંધમાં નવા એન્ગલથી રિપ્લે બતાવવામાં આવી હતી જેમાં સ્પષ્ટ દેખાયું હતું કે બૉલ પહેલાં માર્શના પૅડને વાગ્યો હતો.
એ સાથે, વિવાદ વધુ ગંભીર થયો અને અધૂરામાં પૂરું કૉમેન્ટરી-બૉક્સમાંથી મૅથ્યૂ હેડને સવાલ ઉઠાવ્યો કે આ ચડિયાતું એન્ગલ પહેલાં કેમ ન બતાવાયું? હેડને કહ્યું,
નિર્ણય અપાય એ પહેલાં પૂરી જાણકારી ઉપલબ્ધ હોવી જરૂરી છે.’
બૉલ-ટ્રેકિંગ પરથી એ પણ સ્પષ્ટ થયું હતું કે બૉલ જો માર્શના પૅડને ન વાગ્યો હોત તો સ્ટમ્પને વાગ્યો જ હોત. જોકે ઇમ્પૅક્ટ અમ્પાયર્સ કૉલ' પર હતી અને ફીલ્ડ અમ્પાયરના નૉટઆઉટના નિર્ણયને બદલવા મજબૂત પુરાવા ન મળતાં તેમનો એ નિર્ણય જાળવી રાખ્યો હતો.
સુનીલ ગાવસકરે પણ પ્રતિક્રિયા આપી હતી. કૉમેન્ટરી-બૉક્સમાંથી તેમણે કહ્યું કે
બૅટર જો ત્રણ મીટરથી વધુ દૂર હોય તો તેને સામાન્ય રીતે નૉટઆઉટ આપવામાં આવે છે. અહીં સવાલ એ હતો કે બૉલ પહેલાં બૅટને વાગ્યો હતો કે પૅડને. ટીવી અમ્પાયર પાસે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલવા મજબૂત પુરાવો નહોતો.’
ઉલ્લેખનીય છે કે માર્શ ટીમ ઇન્ડિયાને બહુ ભારે નહોતો પડ્યો, કારણકે તેને તેના નવ રનના સ્કોર પર અશ્વિને જ વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.