ટ્રોફી પર પગ મૂકવા અંગે 11 દિવસ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્સે કહી આ વાત…

નવીદિલ્લી : ટીમ ઈન્ડિયાને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમ હજી તો જિતનો સ્વાદ માણી રહી હતી ત્યાં એક કોન્ટ્રોવર્સીએ એમની એ મિઠાશમાં ઝેર ઘોળવાનું કામ કર્યું છે અને એમાં નિમિત્ત બન્યો હતો તેમની જ ટીમનો ખેલાડી મિશેલ માર્શ. તેની એક હરકતને કારણે લાખો કરોડો લોકોએ તેને સોશિયલ મીડિયા પર ખરીખોટી વાતો સંભળાવી હતી.
ટ્રોફી જિત્યાની રાતે જ સોશિયલ મીડિયા પર મિશેલ માર્શનો એક ફોટો વાઈરલ થયો હતો જેમાં તે ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ માર્શને ટ્રોફીનું માન જાળવવાની સલાહ આપી હતી તો ભારતીય ક્રિકેટર મોહમ્મદ શામીએ પણ આ ઘટના અંગે એક નિવેદન આપતા કહ્યું હતું કે માર્શની આવી હરકતથી ખૂબ જ દુઃખી શું. હવે ઘટનાના 11 દિવસ બાદ આખરે માર્શે મૌન તોડ્યું હતું. આવો જોઈએ શું કહ્યું માર્શે પોતાની આ હરકત પર..
ઓસ્ટ્રેલિયન મીડિયા સાથે વાત કરતાં માર્શે કહ્યું હતું કે આવું કરીને મારો ઈરાદો ટ્રોફનું અપમાન કરવાનો નહોતો. મેં આ વિશે વધુ કંઈ જ વિચાર્યું નહોતું. મેં સોશિયલ મીડિયા પર પણ લોકો મારા વિશે શું વિચારી રહ્યા છે, બોલી રહ્યા છે એની મને જાણ નથી. ભલે મને લોકો એવું કહી રહ્યા છે કે વાત વણસી ગઈ છે અને હવે આ મુદ્દે કોઈ વાત નથી કરી રહ્યું પણ મને એ ફોટોમાં કંઈ પણ વાંધાજનક નથી લાગી રહ્યું.
ભલે જિતેલી ટ્રોફી પર પગ મૂકીને માર્શે ફોટો પડાવ્યો હોય પણ એનો ઈરાદો આ ટ્રોફીનું અપમાન કરવાનો નહોતો એવી સ્પષ્ટતા તેણે આપી હતી. મિશેલ માર્શની આવી હરકતથી ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ નારાજ થયા હતા અને તેમણે તેની આવી હરકતને તદ્દન અનુચિત ગણાવતાં તેને સોશિયલ મીડિયા પર ખરીખોટી સંભળાવી હતી.