મિમીક્રી આર્ટિસ્ટે કરી ધોનીની નકલ, રોહિત પેટ પકડીને હસ્યો

મુંબઈ: રોહિત શર્માએ 2007માં ટી-20 ઇન્ટરનેશનલમાં અને 2013માં ટેસ્ટ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં કારકિર્દી શરૂ કરી હતી અને લગભગ દોઢ દાયકા સુધી વન-ડે સહિત અનેક મૅચોમાં ધોનીના નેતૃત્વમાં રમ્યો એટલે ધોનીની દરેક સ્ટાઇલથી પૂરેપૂરો વાકેફ છે અને એવામાં જો કોઈ વ્યક્તિ ધોનીની નકલ કરે તો સ્વાભાવિક છે કે રોહિત જરૂર પ્રભાવિત થઈ જાય.
મુંબઈમાં મંગળવારે સીઍટ (CEAT) ક્રિકેટ રેટિંગ સમારોહમાં એવું જ બન્યું. એક મિમીક્રી આર્ટિસ્ટે સ્ટેજ પર એમએસ ધોનીની જબરી નકલ કરી હતી. તે ધોનીની સ્ટાઇલમાં ઘણું બોલ્યો હતો અને એ સાંભળીને રોહિત શર્મા પેટ પકડીને હસ્યો હતો.
રોહિત શર્માની પાછળની સીટ પર તેની પત્ની રીતિકા બેઠી હતી. તે પણ હસવાનું રોકી નહોતી શકી.
રોહિત એટલું બધું હસ્યો હતો કે એક સમયે તેની આંખોમાં પાણી આવી ગયા હતા અને મિમીક્રી (Mimicry) આર્ટિસ્ટની તેણે વાહ વાહ કરી હતી.
રોહિતે આ સમારંભ ખૂબ એન્જૉય કર્યો હતો. એક તરફ રોહિત મિમીક્રી આર્ટિસ્ટની કમાલ જોઈને ખડખડાટ હસી રહ્યો હતો અને બીજી બાજુ કેટલાક મહેમાનો તેને આ આનંદિત મુદ્રામાં જોઈને મલ્કાઈ રહ્યા હતા.
ધોનીની કેપ્ટન્સીમાં જ રોહિત મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ખૂબ ખીલ્યો હતો. વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તેનો 264 રનનો વર્લ્ડ રેકોર્ડ વર્ષોથી કોઈ તોડી નથી શક્યું.
તાજેતરમાં રોહિત શર્મા પાસેથી વન-ડેની કેપ્ટન્સી આંચકી લઈને શુભમન ગિલને સોંપવામાં આવી ત્યાર બાદ રોહિત પહેલી વાર જાહેરમાં દેખાયો. આવતા અઠવાડિયે તે વિરાટ કોહલી સાથે તેમ જ શુભમન ગિલના સુકાનમાં જાહેર કરવામાં આવેલી વન-ડે ટીમ સાથે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનો છે એટલે હવે તે ફરી ન્યૂઝમાં ચમકવા લાગ્યો છે.
38 વર્ષના રોહિત (Rohit)ના સુકાનમાં માર્ચ મહિનામાં ભારતે વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી એ બદલ રોહિતનું આ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો