મહિલા આઈપીએલ: મુંબઈને બ્રેબર્નમાં આજે બેંગલૂરુ સામે જીતીને ફાઈનલમાં પહોંચવાનો મોકો

મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ)માં આજે 2023ની સૌપ્રથમ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સને જીતીને મોખરાના સ્થાને રહીને ફાઇનલમાં સીધો પ્રવેશ કરવાની તક છે. જોકે એ માટે એણે 2024ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ને હરાવવી પડશે.
મુંબઈની ટીમ હાલમાં દિલ્હી જેટલા જ 10 પોઇન્ટ સાથે (રનરેટના ફરકને લીધે) એના પછી બીજા નંબરે છે અને એક જીત મુંબઈને ફાઇનલમાં પ્રવેશ અપાવી શકે.
ગઈ કાલે કેપ્ટન હરમનપ્રીત કૌરના સુકાનમાં મુંબઈએ ગુજરાત જાયન્ટ્સને છેલ્લા બૉલે નવ રનના માર્જિનથી હરાવી દીધી હતી. એ સાથે, ગુજરાત સામે મુંબઈએ 6-0નો રેકોર્ડ જાળવ્યો છે.
આપણ વાંચો: વિમેન્સ પ્રીમિયર લીગ આરસીબીએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, મેળવી સતત બીજી જીત
હરમનના 54 રનની મદદથી મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 179 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટસે ભારતી ફુલમાલી (61 રન, 25 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની મદદથી 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા અને મુંબઈએ નવ રનથી વિજય મેળવી લીધો હતો.
મુંબઈએ ગુજરાતની ટીમને ગઈ કાલે 156 રન સુધી સીમિત રાખી હોત તો એણે ત્યારે જ ફાઇનલમાં સીધો પ્રવેશ કરી લીધો હોત, પરંતુ હવે આજે એને આરસીબી સામે જીતીને નિર્ણાયક મુકાબલામાં એન્ટ્રી કરવાનો ફરી મોકો છે.
વર્તમાન ડબ્લ્યૂપીએલના પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ આ મુજબ છે : (1) દિલ્હી 10 પોઇન્ટ (2) મુંબઈ 10 પોઇન્ટ (3) ગુજરાત 8 પોઇન્ટ (4) યુપી 6 પોઇન્ટ અને (5) બેંગ્લૂરુ 4 પોઇન્ટ.