મેસીના સાતમાંથી છ મૅચમાં એકથી વધુ ગોલઃ અમેરિકાની સ્પર્ધામાં મોટી સિદ્ધિ પણ મેળવી

હૅરિસન (અમેરિકા): મેજર લીગ સૉકર (MLS)માં શનિવારે લિયોનેલ મેસીના બે ગોલ (GOAL) તેમ જ બીજા બે ગોલ કરવામાં તેણે સાથી ખેલાડીને મદદ કરી એને પગલે ઇન્ટર માયામી (IBTER MIAMI)એ ન્યૂ યૉર્ક રેડ બુલ્સ નામની ટીમને 5-1થી હરાવીને પાંચમા સ્થાને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ઇન્ટર માયામીના 41 પૉઇન્ટ છે અને ચોથા નંબરના કૉલમ્બસ (44)થી ત્રણ જ ડગલાં દૂર છે. સિનસિનાટી ક્લબની ટીમ 48 પૉઇન્ટ સાથે મોખરે છે. મેસીએ આ એક મૅચમાં બે સિદ્ધિ મેળવી છે.
શનિવારની મૅચમાં મેસીના સાથી ખેલાડી ટેલાસ્કૉ (TELASCO) સેગોવિયાએ પણ બે ગોલ કર્યા હતા. મેસીએ છેલ્લી સાતમાંથી છ મૅચમાં એકથી વધુ ગોલ કર્યા છે. એ ઉપરાંત, એમએલએસમાં મેસી બે વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા 35થી વધુ ગોલ કરવા ઉપરાંત સાથી ખેલાડીઓને કુલ પચીસ ગોલ કરવામાં મદદ કરનાર પાંચમો ખેલાડી બન્યો છે.
આ પણ વાંચો: મેસીના બે ગોલ, માયામીની સતત ત્રીજી જીત
ન્યૂ યૉર્ક વતી ઍલેક્ઝાંડર હૅકે 14મી મિનિટમાં મૅચનો પ્રથમ ગોલ કર્યો હતો. જોકે ત્યાર પછી ઇન્ટર માયામીના ખેલાડીઓએ ચાર ગોલ કરીને 5-1થી વિજય મેળવ્યો હતો. માયામી વતી જૉર્ડી અલ્બાએ 24મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો હતો. ટેલાસ્કૉએ 27મી મિનિટમાં ટીમનો બીજો ગોલ તેમ જ ફર્સ્ટ હાફની થોડી ક્ષણો પહેલાં ત્રીજો ગોલ નોંધાવ્યો હતો. ત્યાર પછી 60મી અને 75મી મિનિટમાં મેસીએ ઉપરાઉપરી બે ગોલ કરીને માયામીની જ્વલંત જીત નક્કી કરી હતી.
ગુરુવારે સિનસિનાટી ક્લબની ટીમે ઇન્ટર માયામી સામે 3-0થી વિજય મેળવ્યો હતો. જોકે શનિવારે સિનસિનાટીનો રિયલ સૉલ્ટ લેક સામે 0-1થી પરાજય થયો હતો.