મુંબઈગરા અને અમદાવાદીઓ આનંદો! લિયોનેલ મેસી ડિસેમ્બરમાં આવવાનો છે

નવી દિલ્હીઃ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર અને કરોડોનો માનીતો ખેલાડી લિયોનેલ મેસી (Messi) આગામી ડિસેમ્બરમાં ભારત આવશે અને ત્યારે તે મુંબઈ તથા અમદાવાદ ઉપરાંત કોલકાતા અને નવી દિલ્હીની મુલાકાત લેશે એવી પાકી સંભાવના છે. મુંબઈમાં તેના માટે વાનખેડે સ્ટેડિયમમાં સત્કાર સમારંભ યોજાશે એવી તૈયારીઓ થઈ રહી હોવાનું મનાય છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવી જ અપ્રતિમ ખ્યાતિ ધરાવતો મેસી 14 વર્ષ બાદ ભારત પાછો આવી રહ્યો છે. અગાઉ તે 2011માં ભારત આવ્યો હતો.
આ પણ વાંચો: લિયોનેલ મેસી વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ સાથે ભારત આવશે, જાણો ક્યારે…
મેસીના ભારત (India) ખાતેના સંભવિત પ્રવાસની પીટીઆઇને જાણકારી આપનાર સૂત્રએ એવું પણ જણાવ્યું હતું કે મેસી તરફથી ભારત-પ્રવાસ સંબંધમાં પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. જોકે મેસી ગમે ત્યારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરશે એવું મનાય છે.
કામચલાઉ સમયપત્રક મુજબ મેસી આગામી 12મી ડિસેમ્બરે રાત્રે કોલકાતા (KOLKATA)ના ઍરપોર્ટ પર આવી પહોંચશે અને કોલકાતામાં જ બે દિવસ-એક રાત્રિના રોકાણ દરમ્યાન કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત ઈડન ગાર્ડન્સમાં સૌરવ ગાંગુલી, લિએન્ડર પેસ, બાઇચુન્ગ ભૂટિયા, જૉન અબ્રાહમ વગેરે સાથે ફૂટબૉલ રમશે. મેસી 13 ડિસેમ્બરે સાંજે અમદાવાદ જશે અને ત્યાર બાદ 14મી ડિસેમ્બરની ઇવેન્ટ્સ માટે મુંબઈ પહોંચશે જ્યાં તે સીસીઆઇ ખાતે તેમ જ વાનખેડે ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યાર બાદ તે દિલ્હીની મુલાકાતે જશે.