સ્પોર્ટસ

હૈદરાબાદના સ્ટેડિયમમાં મેસી છવાઈ ગયોઃ બાળકો સાથે રમ્યો અને હજારો પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું

કોલકાતા/હૈદરાબાદઃ વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી (Messi) 2011ની સાલ બાદ 14 વર્ષે ફરી ભારતના પ્રવાસે આવ્યો ત્યારે તેને શનિવારના પહેલા દિવસે મિશ્ર અનુભવો થયા જેમાં કોલકાતામાં પરોઢ પહેલાં 2.30 વાગ્યે આગમન કર્યા પછી સવારે 70 ફૂટ ઊંચા પોતાના સૌથી ઊંચા સ્ટૅચ્યૂનું અનાવરણ કર્યું, પણ પછી એ જ શહેરના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં રાજનેતાઓ, અધિકારીઓ,

સલામતી રક્ષકો તથા મહાનુભાવો સહિત અનેક લોકોનો જમાવડો થઈ જતાં માત્ર 10 મિનિટમાં ગ્રાઉન્ડ છોડી દેવું પડ્યું જેને પરિણામે 50,000 પ્રેક્ષકોમાંથી અસંખ્ય લોકો વિફર્યા હતા અને સ્ટેડિયમમાં તેમ જ મેદાન પર ધમાલ મચાવી હતી. જોકે ત્યાર બાદ મેસી હૈદરાબાદ (Hyderabad) પહોંચ્યો જ્યાં તેને બધા સકારાત્મક અનુભવો થયા હતા. હૈદરાબાદની મુલાકાત શાંતિપૂર્ણ રહી હતી.

આપણ વાચો: મુંબઈગરા અને અમદાવાદીઓ આનંદો! લિયોનેલ મેસી ડિસેમ્બરમાં આવવાનો છે

38 વર્ષનો આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી પચીસ વર્ષની કરીઅરમાં 950થી પણ વધુ મૅચ રમ્યો છે અને 800થી પણ વધુ ગોલ કર્યા છે.

આર્જેન્ટિના ઉપરાંત બાર્સેલોના, પીએસજી અને ઇન્ટર માયામી સહિતની ટીમો વતી રમી ચૂકેલો મેસી શનિવારે સાંજે હૈદરાબાદ પહોંચ્યો અને પ્રદર્શનીય મૅચ રમ્યો તથા મેદાનમાંથી રવાના થયો ત્યાં સુધીની તેની શાંતિપૂર્ણ સફરનો ઘટનાક્રમ અહીં પ્રસ્તુત છેઃ

આપણ વાચો: લિયોનેલ મેસી વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ સાથે ભારત આવશે, જાણો ક્યારે…

(1) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં સિંગર માંગલી તથા અન્ય કલાકારોના પર્ફોર્મન્સ સહિતની ટૂંકી ઓપનિંગ સેરેમની થઈ ત્યાર પછી થોડી વાર બાદ લિયોનેલ મેસીની હાજરીમાં રમનારી ટીમનું આગમન થયું હતું. ત્યાર બાદ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવો આવ્યા હતા.

(2) પ્રદર્શનીય મૅચની બન્ને ટીમના ખેલાડીઓ કતારમાં ઊભા રહી ગયા હતા અને મૅચ શરૂ કરાઈ હતી. આ મૅચનો ફર્સ્ટ હાફ થઈ ગયો ત્યાં સુધી મેસી નહોતો આવ્યો.

(3) સાંજે લગભગ પોણાઆઠ વાગ્યા હતા અને સ્ટેડિયમની બહાર લિયોનેલ મેસીની કાર આવી પહોંચી હોવાના સમાચાર આવ્યા હતા.

(4) મેસી ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ તથા રૉડ્રિગો ડિ પૉલ સાથે સ્ટેડિયમમાં આવી પહોંચ્યો ત્યારે લોકોએ બૂમો અને ચીસો પાડીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

(5) પહેલાં તો મેસી અને બીજા ખેલાડીઓએ વીઆઇપી બૉક્સમાં બેસીને પ્રદર્શનીય મૅચ જોઈ હતી. ત્યાર પછી તે ડગઆઉટમાંથી બહાર આવ્યો કે તરત જ પ્રેક્ષકોએ બૂમાબૂમ કરીને મેદાન પરના તેના આગમનને આવકાર્યું કર્યું હતું અને મેસીની અવિસ્મરણીય ઝલક (સવારે જેનાથી કોલકાતાના 50,000 પ્રેક્ષકો વંચિત રહી ગયા હતા) માણવા તૈયાર થઈ ગયા હતા.

(6) મેસી મૅચના તમામ ખેલાડીઓને મળ્યો, ફોટો માટે પોઝ આપ્યો તેમ જ થોડા જગલિંગથી પ્રેક્ષકોનું થોડું મનોરંજન કર્યું હતું અને ગોલપોસ્ટને નિશાન બનાવીને આગવી સ્ટાઇલમાં ગોલ કર્યો હતો જે જોઈને પ્રેક્ષકોએ ચીસો પાડી હતી. પ્રદર્શનીય મૅચમાં પેનલ્ટી શૂટઆઉટ થયું હતું.

(7) મેસી સ્ટૅન્ડ તરફ ગયો અને ચાહકો તરફ હાથ ઊંચો કરીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું તેમ જ ભારતમાં પોતાની અપ્રતિમ લોકપ્રિયતાની ઝાંખી કરી હતી.

(8) મેસી બાળકો સાથે રમ્યો હતો, તેમની સાથે હાથ મિલાવ્યા હતા અને પછી સાથી ખેલાડીઓ જોડે તેણે મેદાન પર પરેડ કાઢીને તમામ પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું.

(9) મેસીએ મૅચના વિજેતાઓને ટ્રોફી એનાયત કરી હતી. ખુદ મેસીને ટૉકન તરીકે એક ટ્રોફી એનાયત કરાઈ હતી.
(10) મેસીએ છેલ્લે ચાહકોને ગુડનાઇટના સંકેત સાથે મેદાન પરથી વિદાય લીધી હતી. હૈદરાબાદ પછીના તેના બે મુકામ, મુંબઈ અને નવી દિલ્હી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button