સ્પોર્ટસ

મેસી અને માર્ટિનેઝે એક જ મૅચમાં રસપ્રદ રેકૉર્ડની બરાબરી કરી!

બ્વેનોઝ આઇરસઃ ફૂટબૉલના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ મંગળવારે અહીં કરીઅરમાં 58મી વખત સાથી ખેલાડીને ગોલ કરવામાં સહાયક ભૂમિકા (આસિસ્ટ) ભજવી અને એ સાથે તેણે એક વિશ્વવિક્રમની બરાબરી કરી લીધી હતી. આ જ મૅચમાં આર્જેન્ટિનાના ગોલ-સ્કોરર લૉઉટેરો માર્ટિનેઝે પણ એક રેકૉર્ડની બરાબરી કરી હતી.
આ મૅચ પેરુ સામે હતી જેમાં આર્જેન્ટિનાએ 1-0થી વિજય મેળવ્યો હતો. પંચાવનમી મિનિટમાં પેનલ્ટી એરિયામાં મેસીએ માર્ટિનેઝને બૉલ પાસ કરીને ગોલ કરવાની સુવર્ણ તક અપાવી હતી અને માર્ટિનેઝે એ તક સફળતાપૂર્વક ઝડપી લીધી હતી. આર્જેન્ટિના આ એકમાત્ર ગોલની મદદથી જીતીને 2026ના ફિફા વર્લ્ડ કપ માટે લગભગ ક્વૉલિફાય થઈ ગયું હતું.

આ પણ વાંચો: ફૂટબૉલ મૅચ પછી પરાજિત મેક્સિકોની ટીમના કોચની આવી હાલત કરી…

મેસીએ કારકિર્દીમાં 58મી વખત સાથી ખેલાડીને ગોલ કરવામાં આસિસ્ટ કર્યો અને એ સાથે મેસી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં સૌથી વધુ 58 વખત આસિસ્ટ કરવાનો વર્લ્ડ રેકાડૅ ધરાવતા અમેરિકાના સૉકર-લેજન્ડ લૅન્ડન ડોનોવાનની બરાબરીમાં આવી ગયો હતો.

આ રેકોર્ડમાં રોનાલ્ડો (45 આસિસ્ટ) મેસીથી ઘણો પાછળ છે.

બીજી બાજુ, માર્ટિનેઝનો આર્જેન્ટિના વતી આ 38મો ગોલ હતો અને તેણે ફૂટબૉલ-લેજન્ડ ડિયેગો મૅરાડોનાની બરાબરી કરી હતી.

આ પણ વાંચો: આ તે કેવું સ્ટંટ! હરીફ ટીમની યોજના ખોરવી નાખવા ફૂટબૉલ ટીમે જુઓ કોને મેદાન પર ઉતાર્યો?

દક્ષિણ અમેરિકાના દેશોમાંથી આર્જેન્ટિના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પચીસ પૉઇન્ટ સાથે મોખરે છે. ત્યાર પછીના સ્થાને ઉરુગ્વે, ઇક્વાડોર અને કોલમ્બિયા છે જેમના એકસરખા 19 પૉઇન્ટ છે. બ્રાઝિલ 18 પૉઇન્ટ સાથે પાંચમા નંબરે છે અને સુપરસ્ટાર ખેલાડી નેમાર ઈજામાંથી વહેલાસર મુક્ત થઈને પાછો રમવા આવશે એવી બ્રાઝિલની ટીમને આશા છે. દક્ષિણ અમેરિકાનો હવે પછીનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ માર્ચમાં યોજાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button