શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ઘમાસાણ, જાણો ક્યાં અને શેમાં…

હુલનબુઇર (ચીન): ભારતની મેન્સ હૉકી ટીમે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગુરુવારે સતત ચોથો વિજય મેળવ્યો હતો. ભારતે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ એ પહેલાં શનિવાર, 14મી સપ્ટેમ્બરે ભારતનો વધુ એક લીગ મુકાબલો થશે જેમાં ભારતની ટક્કર કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે થશે.
ભારતની સેમિ ફાઇનલ સોમવારે રમાશે. ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને ફાઇનલ મુકાબલો મંગળવાર પર નિર્ધારિત છે.
ભારતે ગુરુવારના વિજય પહેલાંના ત્રણેય લીગ મુકાબલા પણ જીતી લીધા હતા જેમાં ભારતે યજમાન ચીનને 3-0થી, જાપાનને 5-0થી અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું.
પૅરિસ ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ-મેડલિસ્ટ ભારત વતી પ્રથમ ગોલ અરાસજીત સિંહ હુન્ડલે આઠમી મિનિટમાં કર્યો હતો. કૅપ્ટન હરમનપ્રીત સિંહે નવમી અને 43મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો.
કોરિયા વતી એકમાત્ર ગોલ જિહુન યૉન્ગે 30મી મિનિટમાં કર્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં કુલ છ દેશની ટીમ ભાગ લઈ રહી છે. ટોચની ચાર ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી રહી છે. ભારતીય ટીમ બુધવારે સેમિમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી.