આઇપીએલના મેગા ઑક્શનમાં પચીસ કરોડ રૂપિયાની બોલી બોલાશે?
આવતી કાલે સાઉદીના જેદ્દાહમાં બપોરે 3.00 વાગ્યે હરાજીનો રોમાંચક શો શરૂઃ પંત સૌથી મોંઘો સાબિત થઈ શકે
જેદ્દાહઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આવતી કાલ (રવિવાર)ના મેગા ઑક્શન (ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી)માં 574 ખેલાડીઓમાંથી 204 જેટલા પ્લેયરનું ભાવિ નક્કી થશે, પરંતુ સૌથી મોટો ચર્ચાસ્પદ મુદ્દો અત્યારે એ છે કે શું આ હરાજીમાં એક પ્લેયરને ખરીદવા પાછળ પચીસ કરોડ રૂપિયાની બોલી લગાવવાનો વિક્રમ નોંધાશે ખરો? શું રિષભ પંતને સૌથી ઊંચા પચીસ કરોડ રૂપિયાના કે એની આસપાસના ભાવે ખરીદવામાં આવશે એવી સંભાવના છે.
થોડા દિવસ પહેલાં જ જાહેરાત કરાઈ હતી કે આ ઑક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં રવિવાર, 24મી નવેમ્બરે યોજાશે.
આ હરાજીમાં તમામ 10 ટીમ પાસે (પાંચથી છ ખેલાડીને રીટેન કર્યા પછી) કુલ મળીને 641.5 કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ છે.
2024ની આઇપીએલ-સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને 24.75 કરોડના રેકૉર્ડ-બે્રક ભાવે ખરીદ્યો હતો. ત્યારે પચીસ કરોડ રૂપિયાના આંકડા સુધી કોઈ નહોતું પહોંચી શક્યું, પરંતુ આ વખતના ઑક્શનમાં એ સપાટી ઓળંગી જવાશે અથવા પચીસ કરોડ રૂપિયાના ભાવે કોઈને ખરીદવામાં આવશે તો નવાઈ નહીં લાગે.
આપણ વાંચો: લલિત મોદીએ ઇંગ્લૅન્ડની જાણીતી લીગ વિશે ચોંકાવનારું નિવેદન આપી દીધું!
ગઈ સીઝનમાં પૅટ કમિન્સ બીજા નંબરે હતો. તેને સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકોએ 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પંતને જો દિલ્હી કૅપિટલ્સનું ફ્રૅન્ચાઇઝી હરાજીમાં મૂક્યા બાદ હવે આ ઑક્શન-શોમાં ફરી મેળવવા પ્રયાસ કરશે તો એણે અન્ય ટીમોની હરીફાઈનો સામનો કરવો પડશે.
ધારો કે દિલ્હીના માલિકો કે બીજા કોઈ ટીમના માલિકો પંતને મેળવવાની હરીફાઈમાં વધુમાં વધુ 18 કરોડ રૂપિયાના ભાવ સુધી પહોંચ્યા હશે તો ત્યારે દિલ્હીના માલિકો રાઇટ ટુ મૅચ (આરટીએમ)ની સિસ્ટમમાં પંતને પાછો ખરીદવાનો દાવો કરી શકશે. જોકે અન્ય ટીમમાંથી કોઈ ટીમ પંતને ખરીદવા માટે ફાઇનલ બિડ પચીસ કરોડ સુધીની ઉપર લઈ જશે તો દિલ્હીના માલિકો પંતને ફરી ખરીદવા માગતા હશે તો એ ભાવે (પચીસ કરોડ રૂપિયામાં) ખરીદી શકશે, કારણકે પંત અગાઉ તેમની પાસે હતો એટલે તેઓ જ તેને આરટીએમ હેઠળ મેળવવાનો પહેલો અધિકાર ધરાવશે.
આ ઑક્શનમાં કેએલ રાહુલ અથવા શ્રેયસ ઐયર કે પછી કોઈ બોલર પર પણ કરોડો રૂપિયાની બોલી લગાવાશે.
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે.
હરાજી માટે કઈ ટીમ પાસે કેટલી રકમ બાકી છે?
કોલકાતા નાઇટ રાઇડર્સઃ 51 કરોડ રૂપિયા
રાજસ્થાન રૉયલ્સઃ 41 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદઃ 45 કરોડ રૂપિયા
મુંબઈ ઇન્ડિયન્સઃ 45 કરોડ રૂપિયા
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુઃ 83 કરોડ રૂપિયા
પંજાબ કિંગ્સઃ 110.5 કરોડ રૂપિયા
ગુજરાત ટાઇટન્સઃ 69 કરોડ રૂપિયા
ચેન્નઈ સુપર કિંગ્સઃ 55 કરોડ રૂપિયા
લખનઊ સુપર જાયન્ટ્સઃ 69 કરોડ રૂપિયા
દિલ્હી કૅપિટલ્સઃ 73 કરોડ રૂપિયા