સ્પોર્ટસ

ભારતનો જયઘોષ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુલવીર સિંહને ગોલ્ડ મળ્યો

ગુમી (દક્ષિણ કોરિયા): રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ગુલવીર સિંહે આજે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પુરુષોની 10,000 મીટર દોડમાં ટોચનું સ્થાન મેળવીને ભારતને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનો રાષ્ટ્રીય રેકોર્ડ 27:00.22 સેકન્ડનો છે, જે તેણે આ વર્ષની શરૂઆતમાં બનાવ્યો હતો. જાપાનના મેબુકી સુઝુકી (28:43.84) એ સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે બહેરીનના આલ્બર્ટ કિબિચી રોપે (28:46.82) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આપણ વાંચો: પાકિસ્તાની ખેલાડીઓને મળ્યા વિઝા, સૈફ ચેમ્પિયનશિપમાં રમવા ચેન્નઇ આવવા રવાના…

તે સિવાય સર્વિન સેબેસ્ટિયનએ પુરુષોની 20 કિમી વોક ઇવેન્ટમાં 1 કલાક 21 મિનિટ અને 13.60 સેકન્ડ (1:21:13.60)ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને સ્પર્ધામાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ચીનના વાંગ ઝાઓઝાઓ (1:20:36.90) અને જાપાનના કેન્ટો યોશિકાવા (1:20:44.90)એ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

સેબેસ્ટિયનનો સમય તેના વ્યક્તિગત શ્રેષ્ઠ 1:21:23 સમય કરતાં થોડો સારો હતો, જે તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને નોંધાવ્યો હતો. આ ઇવેન્ટમાં ભાગ લેનારા અન્ય એક ભારતીય અમિતે 1:22:14.30 ના સમય સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતુ. ભારતે આ સ્પર્ધા માટે 59 સભ્યોની ટીમ મોકલી છે. ભારતે ગયા વખતે આ ચેમ્પિયનશિપમાં 27 મેડલ જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button