ગૌતમ ગંભીરના સમર્થનમાં આવ્યો મેક્કુલમઃ કહ્યુ તે એક મજબૂત લીડર અને..

કોલકત્તાઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી-20 સીરિઝ અને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. સાઉથ આફ્રિકાના પ્રવાસથી વિપરીત ગૌતમ ગંભીર આગામી ઇંગ્લેન્ડ સામેની ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રહેશે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો અત્યાર સુધીનો સમય સારો રહ્યો નથી અને ચેમ્પિયન્સ ટ્રોફીના સમાપન પછી બીસીસીઆઈ તેમના પ્રદર્શનનું ફરીથી મૂલ્યાંકન કરી શકે છે.
ઇંગ્લેન્ડની ટીમ તેમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ભારત સામે ટકરાશે. ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ક્રિકેટના તમામ ફોર્મેટમાં મેક્કુલમને ઇંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
મેક્કુલમે 2012માં ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કેકેઆર સાથે આઇપીએલ પણ રમી હતી અને જીતી હતી. મેક્કુલમે ગંભીર વિશે વિગતવાર વાત કરી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ વિશે પોતાનો પ્રામાણિક અભિપ્રાય આપ્યો હતો.
પત્રકારોને સંબોધતા મેક્કુલમે કહ્યું હતું, ‘ગૌતમ ગંભીર વિશે હું ફક્ત એટલું જ કહીશ કે મેં તેમની સાથે પહેલા પણ કામ કર્યું છે અને તે એક મહાન કેપ્ટન છે.’ તે ખરેખર એક મજબૂત કેપ્ટન છે અને તેણે ગમે તે સમયગાળામાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે, મને ખાતરી છે કે તે ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.
આ પણ વાંચો…ઈન્ડિયન ટીમમાં ફેરફારને લઇને અક્ષર પટેલે આપ્યું મોટું નિવેદનઃ મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી
ગંભીરના નેતૃત્વમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતીય ટીમે છેલ્લા દસ ટેસ્ટ મેચમાંથી છ હારી છે. ભારતે ફક્ત બે મેચ જીતી છે અને બાકીની બે મેચ ડ્રો રહી છે. ઘણા ચાહકો અને નિષ્ણાતોએ પ્રશ્ન કર્યો છે કે શું ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે યોગ્ય વ્યક્તિ છે.