સ્પોર્ટસ

એમસીએની ચૂંટણી પ્રક્રિયા પર મુંબઈ હાઈ કોર્ટે કેમ સ્ટે મૂક્યો?

મુંબઈઃ મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ની આગામી ચૂંટણી સંબંધમાં મહત્ત્વનો આદેશ બહાર પાડ્યો છે જેમાં અદાલત દ્વારા 12મી નવેમ્બરના સૂચિત ઇલેક્શન પહેલાં ઉમેદવારી પત્રોની છણાવટને પગલે ઉમેદવારોની યાદીની જાહેરાત સાતમી નવેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે.

મંગળવારે વડી અદાલતે આ ચૂંટણીની પ્રક્રિયાને કામચલાઉ ધોરણે અટકાવી હતી. આ યાદી મંગળવારે જાહેર થવાની હતી. જોકે અદાલતે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી અધિકારીએ પહેલાં તો તમામ વાંધાવચકા સંબંધમાં વિગતથી અને કારણો સાથેનો અહેવાલ બહાર પાડવો અને ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવાની ઉતાવળ કરવી નહીં.

આપણ વાચો: સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી…

પિટિશનર (Petitioner)નું કહેવું છે કે ઇલેક્શન ઑફિસરે કંઈ પણ ખુલાસા આપ્યા વગર તેમના વિરોધને નકાર્યો અને 24મી ઑક્ટોબરે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી.

જસ્ટિસ રિયાઝ ચાગલા અને ફરહાન દુબાશ એમસીએને લગતા આ કેસમાં સુનાવણી હાથ ધરી રહ્યા છે. હવે ગુરુવાર, છઠ્ઠી નવેમ્બરે સુનાવણી આગળ વધશે.

પિટિશનરોએ અદાલતને વિનંતી કરી છે કે તેમણે જે વિરોધ નોંધાવ્યા છે એ કયા કારણસર નકારવામાં આવ્યા એની ચૂંટણી અધિકારીને સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવે કે જેથી કરીને ચૂંટણી (Election)ની પ્રક્રિયા પારદર્શક બની રહે. કેટલાક જાણીતા રાજકીય નેતાઓએ ઝૂકાવ્યું હોવાથી આ ચૂંટણી ખૂબ ચર્ચામાં છે.

આ સુનાવણીમાં ચૂંટણી બાબતમાં કેવી રીતે આગળ વધવું એની એમસીએ (MCA)ને સૂચના આપવામાં આવશે. ચૂંટણી અધિકારીએ અદાલતને જણાવ્યું છે કે 17-20 ઑક્ટોબર દરમ્યાન તેમની પાસે જે પણ વાંધાવચકા આવ્યા હતા એની સંભાળપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી અને પછી જ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હવે પિટિશનરને નિર્ણયો બાબતમાં વિગતવાર વર્ણન ધરાવતો અહેવાલ મોકલવામાં આવશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button