T20 World Cup : અનેકનો લાડલો ક્રિકેટર ફરી ગયો કૉમેન્ટેટર: આઇસીસીની વર્લ્ડ કપ માટેની પૅનલમાં કરી એન્ટ્રી

દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી આઇસીસી (ICC) દ્વારા આયોજિત ટી-20 વર્લ્ડ કપને હવે આંગળીને વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આગામી 1 જૂનથી 29 જૂન સુધી ચાલનારા આ વિશ્ર્વકપમાં ભાગ લેનારી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આઇસીસીએ હવે કૉમેન્ટેટર્સની પૅનલ પણ જાહેર કરી દીધી છે અને એમાં બુધવારની મૅચમાં હારી જવાને પગલે અસંખ્ય ચાહકોને ભાવુક થઈને ગુડબાય કરનાર અને સાથી ખેલાડીઓ દ્વારા ગાર્ડ ઑફ ઓનરનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક (Dinesh Karthik) પણ સામેલ છે.
આઇપીએલના લેજન્ડ્સમાં ગણાતો અને 20 વર્ષની શાનદાર કરીઅર માણી ચૂકેલો 38 વર્ષનો દિનેશ કાર્તિક ભારત વતી છેલ્લે નવેમ્બર 2022માં રમ્યો હતો. કાર્તિક અગાઉ ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતાં અને આઇપીએલની નવી સીઝન આવવાની બાકી હોવાથી ઇન્ટરનૅશનલ સિરીઝ દરમ્યાન કૉમેન્ટરી આપી ચૂક્યો છે. હવે તે ફરી એકવાર કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળશે.
આ પણ વાંચો: T20 World Cup : અધધધ….: ભારત-પાકિસ્તાન મૅચની એક ટિકિટ 16 લાખ રૂપિયાની?, લલિત મોદીએ આક્રોશ ઠાલવ્યો
કાર્તિકે આઇપીએલને સત્તાવાર રીતે અલવિદા નથી કરી એટલે એમએસ ધોનીની જેમ કાર્તિકે પણ ચાહકોને થોડી આશા આપી છે. જે કંઈ હોય, કાર્તિકે ક્રિકેટની રમત સાથે, મેદાન સાથે અને ખાસ કરીને કરોડો ચાહકો સાથે સંપર્ક જાળવી રાખવાનું નથી છોડ્યું.
વર્લ્ડ કપ માટેની કૉમેન્ટેટર્સની પૅનલમાં કાર્તિક ઉપરાંત ભારતીયોમાંથી હર્ષા ભોગલે, સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી પણ સામેલ છે. પાકિસ્તાનમાંથી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ તેમ જ અમેરિકામાંથી જેમ્સ ઓબ્રાયન કૉમેન્ટરી બૉક્સમાં હાજરી આપશે.
એ ઉપરાંત બીજા જે કૉમેન્ટેટર કરોડો ક્રિકેટરસિકોને વિશ્ર્વકપની મૅચો સાથેના સતત સંપર્કમાં રાખશે એમાં ઑસ્ટ્રેલિયાની લિસા સ્થળેકર, ડૅની મૉરિસન, ઇયાન બિશપ, શૉન પોલૉક, રિકી પૉન્ટિંગ, સ્ટીવ સ્મિથ, નાસિર હુસેન, ગ્રેમ સ્મિથ, ડેલ સ્ટેન, રસેલ આર્નોલ્ડ, માઇક આથર્ટન, કાર્લોસ બ્રેથવેઇટ, ઍરોન ફિન્ચ, સાયમન ફિન્ચ, ડૅરેન ગંગા, મૅથ્યૂ હેડન, પૉમી બાંગવા, ટૉમ મૂડી, ઓઇન મૉર્ગન અને નિયાલ ઓબ્રાયનનો સમાવેશ છે.