સ્પોર્ટસ

ચેમ્પિયન મનુ ભાકરનું ચેન્નઈ પછી લિટલ ચેમ્પિયનને ત્યાં સન્માન

ચેન્નઈ/મુંબઈ: પૅરિસની સમર ઑલિમ્પિક્સમાં બે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનાર 24 વર્ષીય શૂટર મનુ ભાકરને ભારત પાછા આવ્યા બાદ લાખો રૂપિયાના ઇનામ મળ્યા છે તેમ જ તેને લાખો રૂપિયાના એન્ડોર્સમેન્ટ કોન્ટ્રેક્ટ પણ મળવા લાગ્યા છે. તેના સન્માનના કાર્યક્રમો પણ યોજવાના હજી ચાલુ જ છે.

તાજેતરમાં ચેન્નઈમાં તેનું હોટલ લીલા પેલેસ ખાતે શાનદાર રીતે સન્માન કરવામાં આવ્યું હતું. હોટલમાં તેની રૂમમાં નાની-મોટી દરેક ચીજ પર તેનું નામ લખવામાં આવ્યું હતું અને હોટેલના અધિકારીઓ તથા સ્ટાફે તેનું બહુમાન પણ કર્યું હતું. આ પ્રસંગનો વીડિયો વાઇરલ થયો છે.

બે દિવસ પહેલાં લિટલ ચેમ્પિયન અને ક્રિકેટિંગ ગૉડ સચિન તેંડુલકરે આપેલા આમંત્રણને માન આપીને મનુ ભાકર તેના મમ્મી-પપ્પા સાથે બાંદરા (વેસ્ટ)માં સચિનના નિવાસસ્થાને આવી હતી જ્યાં સચિન અને તેની પત્ની અંજલિએ મનુ ભાકરનું ભવ્ય સન્માન કર્યું હતું. મનુ ભાકરે આ મુલાકાત દરમિયાન પોતાના બંને બ્રોન્ઝ મેડલ હાથમાં રાખીને સચિન સાથે ફોટો પડાવ્યો હતો.

મનુ ભાકરે પછીથી સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ‘વન એન્ડ ઓન્લી સચિન તેંડુલકર સરને મળવાનું મને સૌભાગ્ય મળ્યું. આ મહાન ક્રિકેટ ખેલાડીને મળીને હું ધન્ય થઈ ગઈ. તેમની ક્રિકેટ યાત્રાએ મારા અને અમારામાંના ઘણા લોકોને તેમના સપનાં પૂરા કરવા પ્રોત્સાહિત કર્યા છે.’ ઉલ્લેખનીય છે કે મનુ ભાકર ખાસ કરીને વિશ્વના ફાસ્ટેસ્ટ રનર ઉસેન બોલ્ટ તેમ જ ત્રણ ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની અને વિરાટ કોહલીની ફેન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button