મૅન્ચેસ્ટર યુનાઇટેડની 45 વર્ષમાં પહેલી વાર હોમ-ગ્રાઉન્ડ પર હૅટ-ટ્રિક હાર
ન્યૂકૅસલ યુનાઇટેડ 2-0થી પરાજયઃ એમયુ સૌથી વધુ 13 વખત ચૅમ્પિયન બન્યું છે

ઑલ્ડ ટ્રેફર્ડઃ અહીં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં ન્યૂકૅસલ યુનાઇટેડે ભૂતપૂર્વ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ને 2-0થી હરાવીને બે વિક્રમ નોંધાવ્યા હતા.
1972થી માંડીને અત્યાર સુધીમાં ન્યૂકૅસલની ટીમ માત્ર બીજી વાર એમયુની ટીમને હરાવવામાં સફળ થઈ છે. બીજું, 45 વર્ષમાં પહેલી જ વખત એમયુની ટીમ ઘરઆંગણે ઉપરાઉપરી ત્રણ મૅચમાં પરાજિત થઈ છે. આ પહેલાં, 1979માં હોમ-ગ્રાઉન્ડ પર એમયુનો ઉપરાઉપરી ત્રણ મૅચમાં પરાજય થયો હતો.
એક સમય હતો જ્યારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડનો ડંકો વાગતો હતો. 2012-’13ની સીઝન સુધીમાં એમયુએ કુલ 13 ટાઇટલ જીત્યા હતા અને એ વિક્રમ હજી પણ અતૂટ છે. જોકે એ સીઝન બાદ એમયુની ટીમ ક્યારેય ઇપીએલ નથી જીતી અને મૅન્ચેસ્ટર સિટી (એમસી)ની ટીમ એક પછી એક વર્ષે ટાઇટલ જીતવા લાગી અને છેલ્લા ચાર વર્ષ તો એમસીનું એકચક્રી શાસન છે.
આપણ વાંચો: ફૂટબૉલ ખેલાડી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમ્યા અને હવે બની ગયા આ દેશના પ્રમુખ!
ન્યૂકૅસલ વતી સોમવારની મૅચમાં ઍલેક્ઝાંડર આઇસૅકે ચોથી મિનિટમાં અને જૉલિન્ગ્ટને 19મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યાર પછી ન્યૂકૅસલની ટીમ વધુ ગોલ તો નહોતી કરી શકી, પરંતુ એના ડિફેન્ડરોએ અને કાબેલ ગોલકીપર એમયુની ટીમને એક પણ ગોલ નહોતો કરવા દીધો.
ન્યૂકૅસલની ટીમ વર્તમાન ઇપીએલમાં છેલ્લી ચારેય મૅચ જીતી છે. આઇસેકે આ સીઝનમાં કુલ 12 ગોલ કર્યા છે. તેણે છેલ્લી લાગલગાટ છ મૅચમાં એક કે એકથી વધુ ગોલ કર્યો છે.
વર્તમાન ઇપીએલમાં લિવરપુલ 45 પૉઇન્ટ સાથે મોખરે છે. નૉટિંગહૅમ ફૉરેસ્ટ 37 પૉઇન્ટ સાથે બીજા ક્રમે અને આર્સેનલ 36 પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટી છઠ્ઠા સ્થાને અને મૅન્ચેસ્ટર યુનાઇટેડ છેક 14મા સ્થાને છે. સોમવારે એમયુને હરાવનાર ન્યૂકૅસલ પાંચમા સ્થાને છે.