સ્પોર્ટસ

સિંધુનું ધમાકેદાર કમબૅકઃ સાત્વિક-ચિરાગની જોડીએ પણ ચાઇનીઝ તાઇપેઇના હરીફોને આસાનીથી હરાવ્યા

ક્વાલા લમ્પુરઃ ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ (Sindhu) અને મેન્સ ડબલ્સની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ અહીં બુધવારે મલયેશિયા ઓપન સુપર 1000 બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચાઇનીઝ તાઇપેઇના હરીફોને પરાજિત કરીને વિજયી શરૂઆત કરી હતી.

30 વર્ષીય સિંધુ પગની ઈજાને કારણે લાંબા સમય સુધી નહોતી રમી શકી. બુધવારે તેણે ધમાકેદાર કમબૅક કર્યું હતું જેમાં તેણે સિંગલ્સના પ્રારંભિક રાઉન્ડમાં તાઇપેઇની સુન્ગ શુઓ યુનને 51 મિનિટમાં 21-14, 22-20થી હરાવી દીધી હતી. સિંધુની હાલમાં વિશ્વમાં 18મી રૅન્ક છે અને હવે તે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર-નાઇન તોમોકા મિયાઝાકી સામે રમશે. સિંધુ અગાઉ મિયાઝાકીને એક વખત હરાવી ચૂકી છે અને એક મૅચમાં ખુદ સિંધુનો પરાજય થયો હતો.

સાત્વિક અને ચિરાગ (Satwik-Chirag)ની ડબલ્સની જોડીએ તાઇપેઇના યૉન્ગ પૉસુઆન અને લી ઝે-હ્યુ સામે ફક્ત 35 મિનિટમાં 21-13, 21-15થી વિજય મેળવીને કુલ 16 ખેલાડીઓના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો.

સાત્વિક-ચિરાગની જોડી પ્રી-ક્વૉર્ટરમાં યજમાન મલયેશિયાના જુનૈદી આરિફ અને રૉય કિંગ યાપ સામે રમશે. મિક્સ્ડ-ડબલ્સમાં ભારતનાં તનિશા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડીનો અમેરિકાના જેની-પ્રેસલી સામે 15-21, 21-18, 15-21થી પરાજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button