નાગપુરની બૅડમિન્ટન ખેલાડીએ ઑલિમ્પિક મેડલિસ્ટ પછી હવે કૉમનવેલ્થ ચૅમ્પિયનને હરાવી!
ચાન્ગઝોઉ (ચીન): મૂળ નાગપુરની અને ભારતની ટોચની મહિલા બૅડમિન્ટન ખેલાડીઓમાં ગણાતી માલવિકા બનસોડે ચીનમાં રમાતી ચાઇના ઓપન નામની સુપર-1000 બૅડમિન્ટન સ્પર્ધામાં બે દિવસમાં બે મોટા અપસેટ સરજ્યા છે. બુધવારે તેણે પ્રથમ રાઉન્ડમાં તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ-મેડલિસ્ટ ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુન્જુન્ગને હરાવી હતી અને ગુરુવારે કૉમનવેલ્થમાં ચૅમ્પિયન બની ચૂકેલી સ્કૉટલૅન્ડની ક્રિસ્ટી ગિલ્મૉરને પરાજિત કરી હતી.
બાવીસ વર્ષની માલવિકાની વિશ્ર્વમાં મહિલા બૅડમિન્ટન ખેલાડીઓમાં 43મો ક્રમ છે. તેણે પૅરિસ ઑલિમ્પિક્સની કાંસ્યચંદ્રક વિજેતા ગ્રેગોરિયાને 46 મિનિટમાં 26-24, 21-19થી હરાવી હતી અને હવે પોતાનાથી ચડિયાતી રૅન્કની (પચીસમા નંબરની) સ્કૉટલૅન્ડની ક્રિસ્ટી ગિલ્મૉરને 21-17, 19-21, 21-16થી પરાજિત કરી. ક્રિસ્ટી બે વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ચૅમ્પિયન બની ચૂકી છે.
આપણ વાંચો: ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા
માલવિકા પહેલી વાર સુપર-1000 સ્તરની ટૂર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.
જોકે થોડા સમય પહેલાં ભારતની ભૂતપૂર્વ ઑલિમ્પિક મેડલિસ્ટ સાઇના નેહવાલને પરાજિત કરી ચૂકેલી માલવિકાએ હવે બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલી જાપાનની અકેન યામાગુચીનો રમવાનું હોવાથી તેની આકરી કસોટી થશે. યામાગુચી અગાઉ બે વાર માલવિકાને હરાવી ચૂકી છે, પરંતુ છેલ્લા મુકાબલામાં માલવિકાએ તેને ભારે સંઘર્ષ કરાવ્યો હોવાથી આ વખતે માલવિકા જીતશે તો નવાઈ નહીં લાગે.