ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કહે છે, ` ટેસ્ટ-કૅપ્ટન તરીકે ગિલ કરતાં બુમરાહ જ બેસ્ટ’

નવી દિલ્હીઃ રોહિત શર્માએ ઇંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ પ્રવાસ માટેની ટીમ જાહેર થાય એ પહેલાં અચાનક અને તાત્કાલિક અમલમાં આવે એ રીતે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની જે જાહેરાત કરી એને પગલે ટીમમાં બૅટ્સમૅન તરીકે તેનો અનુગામી શોધવામાં બહુ વાર નહીં લાગે, પરંતુ તેના (રોહિતના) સ્થાને કૅપ્ટનપદે અનુગામી નક્કી કરવામાં થોડી મથામણ જરૂર થશે. જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) ત્રણ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયામાં તેના સ્થાને કૅપ્ટન્સી સંભાળી ચૂક્યો હતો, પરંતુ તેને બદલે હાલમાં તો દાવેદારોમાં શુભમન ગિલ (SHUBHMAN GILL)નો ઘોડો આગળ છે. જોકે એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૅપ્ટનપદે ગિલને જોવા નથી માગતા.
આ પણ વાંચો: રોહિત બાદ વિરાટ પણ લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ, BCCIને કરી જાણ
મધ્યમ ગતિના ભૂતપૂર્વ બોલર અને 1983ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડી મદન લાલે (MADAN LAL) એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે જસપ્રીત બુમરાહ જો ફુલ્લી ફિટ અને સ્વસ્થ હોય તો તેને જ નેતૃત્વની જવાબદારી સોંપવી જોઈએ.’ બુમરાહ કૅપ્ટન તરીકે ભારતને ઘણી સફળતાઓ અપાવી શકે એમ છે, પણ તે વારંવાર ઈજા પામતો હોવાથી તેને ટેસ્ટ કૅપ્ટન (TEST CAPTAIN) બનાવવામાં સિલેક્ટરોને રિસ્ક લાગતું હશે. બીજું, તે ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર હોવાથી તેના પર વર્કલૉડ પણ ઘણો હોય એટલે સૌથી સારું પર્ફોર્મ કરવાના માનસિક ભાર નીચે તે લાંબા સમય માટે કૅપ્ટન્સી સારી રીતે સંભાળી શકે કે કેમ એમાં શંકા છે. જોકે મદન લાલનું માનવું છે કે ટેસ્ટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળવા માટે બુમરાહ જ સર્વશ્રેષ્ઠ છે. ફિટનેસ અલગ મુદ્દો છે. જો તે ફિટ હોય અને રમવા માટે ઉપલબ્ધ હોય તો તેને જ કૅપ્ટન્સીની જવાબદારી સોંપવી જોઈએ. મારા માટે તો બુમરાહ જ ફર્સ્ટ ચૉઇસ છે.’
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન: સીએસકેની નિષ્ફળતા માટે એકમાત્ર ધોની જ જવાબદાર શા માટે?
ઑસ્ટ્રેલિયા ખાતેની છેલ્લી ટૂરમાં ભારતે બુમરાહના સુકાનમાં પર્થની પ્રથમ ટેસ્ટ જીતી લીધી હતી. ત્યારે રોહિત શર્માની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની હોવાથી રોહિત તેની પડખે રહેવા એ ટેસ્ટમાં નહોતો રમ્યો. બુમરાહે એ ટેસ્ટના પ્રથમ દાવમાં 30 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ટેસ્ટમાં કૅપ્ટન તરીકે ત્રણ ટેસ્ટમાં તે કુલ 15 વિકેટ લઈ ચૂક્યો છે.