સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડની ટોચની ટેનિસ પ્લેયરની પાછળ પડેલા મજનુને વિમ્બલ્ડનની ટિકિટ લેતા અટકાવાયો

લંડનઃ ઇંગ્લૅન્ડની એક સમયની વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી એમ્મા રૅડુકૅનુ (Emma Radukanu)ની પાંચ મહિનાથી પાછળ પડેલા’ મજનુ (stalker)ને વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની ટિકિટો ખરીદતો રોકવામાં આવ્યો છે.

રૅડુકૅનુ પ્રત્યેના અસભ્ય વર્તનને લીધે ઑલ ઇંગ્લૅન્ડ ક્લબની સિક્યૉરિટી સિસ્ટમ દ્વારા આ યુવાનને વિમ્બલ્ડન (Wimbledon)ની ટિકિટો (tickets) નકારવામાં આવી છે.

એપીના અહેવાલ મુજબ આ યુવાને 30મી જૂને લંડનમાં શરૂ થનારી વિમ્બલ્ડન સ્પર્ધા માટેની ટિકિટો માટે પબ્લિક બૅલટ મારફત અરજી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અગાઉથી જ સિસ્ટમમાં તેનું નામ બ્લૅકલિસ્ટમાં હોવાને લીધે તેને ટિકિટ નથી અપાઈ.

આપણ વાંચો: ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ટેનિસ ખેલાડી સિનરને ઝટકોઃ લોરિયસ સ્પોર્ટ્સમેનના નોમિનેશનમાંથી હટાવ્યો…

તેની અરજીને બ્લૉક કરી દેવામાં આવી છે. બાવીસ વર્ષની રૅડુકૅનુ 2021માં 18 વર્ષની ઉંમરે મહિલાઓની યુએસ ઓપન સ્પર્ધાનો સિંગલ્સનો તાજ જીતી હતી. તેની પાસે આ એકમાત્ર ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ છે. તે 2021માં અને 2024માં વિમ્બલ્ડનમાં ચોથા રાઉન્ડ સુધી જ પહોંચી શકી હતી, પણ આ વખતે પોતાના જ દેશની આ સર્વોચ્ચ ટેનિસ સ્પર્ધામાં તે ટ્રોફી જીતવા અગાઉ કરતાં વધુ મક્કમ છે.

અહીં જે મજનુ ટેનિસપ્રેમીની વાત થઈ રહી છે તેણે ફેબ્રુઆરીમાં દુબઈ ચૅમ્પિયનશિપ દરમ્યાન રૅડુકૅનુને પ્રભાવિત કરવાના હેતુથી અસભ્ય વર્તન કર્યું હતું. દુબઈની એ સ્પર્ધાની એક મૅચ દરમ્યાન સ્ટૅન્ડમાં બેઠેલો આ યુવાન પોતાને તરફ કંઈક સંકેત આપી રહ્યો હોય એવો ભાવ રૅડુકૅનુએ તેના ચહેરા પરથી અને બૉડી લૅન્ગવેજ પરથી પારખ્યો હતો અને આયોજકોને વાત કરી હતી.

એ મૅચના અગાઉના દિવસે એ યુવાને કૉફી શૉપમાં રૅડુકૅનુને એક પત્ર આપ્યો હતો તેમ જ તેનો ફોટો પણ પાડ્યો હતો. રૅડુકૅનુ તેનું એ વર્તન જોઈને એટલી બધી ગભરાઈ ગઈ હતી કે પછીના દિવસે ઝેક રિપબ્લિકની કૅરોલિના મુચૉવા સામેની બીજા રાઉન્ડની મૅચ દરમ્યાન તેને સ્ટૅન્ડમાં બેઠેલો જોયો એટલે રૅડુકૅનુ અમ્પાયરની ખુરસીની પાછળ જઈને સંતાઈ ગઈ હતી અને રડવા લાગી હતી.

આપણ વાંચો: કાંદિવલીનો ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી જશ મોદી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

રૅડુકૅનુએ એ મૅચ પછી કહ્યું હતું કે મારી આંખોમાં આંસુ હતા એટલે હું મૅચ દરમ્યાન બૉલ બરાબર જોઈ નહોતી શકતી. હું અમ્પાયર પાસે દોડી ગઈ એ પહેલાં તો મારો શ્વાસ પણ અધ્ધર થઈ ગયો હતો.’

એ વખતે રૅડુકૅનુએ કરેલી ફરિયાદને આધારે આ મજનુ યુવાનને ટૂર્નામેન્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ સ્પર્ધાની પછીની કોઈ જ મૅચમાં તેને ટિકિટ નહોતી મળી શકી. દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી અને છોડતાં પહેલાં તેની પાસે લખાવડાવ્યું હતું કે ` હવે પછી હું ક્યારેય રૅડુકૅનુને પજવીશ નહીં, તેની નજીક નહીં જાઉં. તેનાથી દૂર જ રહીશ.’

આ મજનુ સિંગાપોર, અબુ ધાબી અને દોહા ખાતેની સ્પર્ધામાં પણ ખાસ રૅડુકૅનુને રમતી જોવા સ્ટૅન્ડમાં બેઠો હતો. એ વાત રૅડુકૅનુના ધ્યાનમાં જ હતી અને તેણે બધી વાત પોલીસને તથા સ્પર્ધાના આયોજકોને જણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button