સ્પોર્ટસ

મહિલાઓની ટ્રાય-સિરીઝમાં ભારતનો વિજયી આરંભ

સ્નેહની ત્રણ વિકેટ બાદ પ્રતિકા રાવલની અણનમ હાફ સેન્ચુરી, મંધાના-હર્લીન પણ ચમકી

કોલંબોઃ મહિલા ક્રિકેટરો વચ્ચેની વન-ડે ટ્રાયેન્યૂલર (ODI TRIANGULAR SERIES) આજે અહીં શરૂ થઈ હતી જેમાં ભારતે (INDIA) યજમાન શ્રીલંકા (SRI LANKA)ને વરસાદ (RAIN)ના વિઘ્નો બાદ આસાનીથી હરાવી દીધી હતી. પ્રતિકા રાવલ (50 અણનમ, 62 બૉલ, સાત ફોર) આ મૅચની સર્વશ્રેષ્ઠ ખેલાડી હતી અને તેને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

મેઘરાજાની મહેરને લીધે 39-39 ઓવરની થઈ ગયેલી આ મૅચમાં ભારતને જીતવા 148 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એ અપાવવામાં પ્રતિકાનું સૌથી મોટું તથા સૌથી અગત્યનું યોગદાન હતું.

આપણ વાંચો: આવતા 10 વર્ષમાં આ ત્રણ મહિલા ક્રિકેટરોના અસરદાર પર્ફોર્મન્સ જોવા મળી શકે…

પ્રતિકા ઓપનિંગમાં રમવા આવી હતી અને ભારતે 29.4 ઓવરમાં 149/1ના સ્કોર સાથે જે બૉલમાં વિજય મેળવ્યો એના આગલા બૉલમાં પ્રતિકાએ લડાયક ઇનિંગ્સની બહુમૂલ્ય હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને પછીના બૉલમાં હર્લીન દેઓલે (48 અણનમ, 71 બૉલ, ચાર ફોર) વિનિંગ ફોર ફટકારી હતી. જોકે મૅચ ત્યારે પૂરી થઈ જતાં હર્લીન બે રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી.

બીજી ઓપનર સ્મૃતિ મંધાના (43 રન, 46 બૉલ, છ ફોર) સાથે પ્રતિકા (Pratika Rawal)એ 54 રનની ભાગીદારી કરી હતી. 59 બૉલમાં બનેલી 54 રનની એ પાર્ટનરશિપમાંથી 43 રન સ્મૃતિના અને 11 રન પ્રતિકાના હતા. સ્મૃતિએ 43મા રને વિકેટ ગુમાવ્યા બાદ પ્રતિકા-હર્લીનની જોડી છેક સુધી ટકી રહી હતી અને તેમણે 120 બૉલમાં 95 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.

આપણ વાંચો: અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટરો દેશમાંથી ભાગી ગયા બાદ પહેલી જ વાર મૅચ રમી!

શ્રીલંકાની છ બોલરમાંથી માત્ર ઇનોકા રણવીરાને એક વિકેટ મળી હતી. એ પહેલાં, સ્નેહ રાણાની ત્રણ વિકેટ અને દીપ્તિ શર્મા તથા શ્રી ચરનીની બે-બે વિકેટને લીધે શ્રીલંકન ટીમ 39 ઓવર પણ પૂરી નહોતી કરી શકી અને 38.1 ઓવરમાં 147 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જેમાં ઓપનર હસિની પરેરાના 30 રન હાઇએસ્ટ હતા.

આ ટ્રાય-સિરીઝમાં સાઉથ આફ્રિકાની ટીમ પણ ભાગ લઈ રહી છે અને હવે પછીની બીજી મૅચ ભારત તથા સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button