
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા ચેન્નઇ સુપરકિંગ્સ આઇપીએલ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક મોટી મુશ્કેલીમાં ફસાયા છે. તેમની સામે તેમના 2 ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સે દિલ્હી હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જેની આવતીકાલે સુનાવણી યોજાશે.
ધોનીના નાનપણના મિત્ર તથા ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેમની પત્ની સૌમ્યા દાસે ધોનીને કારણે તેમને થયેલા નુકસાન સામે વળતરની માગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરી છે. તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ મીડિયા સંસ્થાઓ પર પણ આ પ્રકારના સમાચારોને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતુ હોવાની દલીલ કરી સમાચાર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુકાય તેવી માગ કરી છે.
ધોનીએ મિહિર દિવાકર અને સૌમ્યા દાસ પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ લગાવ્યો હતો. રાંચીની કોર્ટમાં ધોનીએ બંને સામે કેસ કર્યો હતો જેમાં ધોનીના વકીલે ધોની તથા મિહિર દિવાકર તથા સૌમ્યા દાસ વચ્ચે વર્ષ 2017માં થયેલા કરારની શરતોનો ભંગ થયો હોવાનું પણ જણાવ્યું હતું. મિહિર અને સૌમ્યાની કંપની આરકા સ્પોર્ટ્સ દ્વારા ધોની સાથે દેશભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા અંગેનો કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યો હતો. જો કે આ કોન્ટ્રાક્ટની શરતો હેઠળ જે નફાની વહેચણી થવી જોઇતી હતી તે ન થઇ, તેમજ અન્ય નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ધોનીએ વર્ષ 2021માં આરકા સ્પોર્ટ્સ પાસેથી ઓથોરિટી લેટર પાછો લઇ લીધો હતો તેમજ મિહિર તથા સૌમ્યાને નોટિસ પણ પાઠવી હતી. તેમ છતાં કોઇ જવાબ ન મળતા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.