
મુંબઈ: ક્રિકેટના મહારથી એવો મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ જગતમાંથી નિવૃત થયા બાદ બ્રાન્ડ પ્રમોશનમાં જોવા મળતો રહે છે. જોકે ક્રિકેટ બાદ હવે તે ફિલ્મ જગતમાં પણ પોતાનો સિક્કો અજવા જઈ રહ્યો છે. 7 સપ્ટેમ્બરે બોલીવુડ અભિનેતા આર. માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, આ વીડિયો તેની આગામી ફિલ્મ ‘ધ ચેઝ’નું ટીઝર હતુ. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે તેમાં માધવન સાથે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ પૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તે ટાસ્ક ફોર્સ અધિકારી તરીકે દુશ્મનો પર ગોળીઓ વરસાવતો દેખાય છે. જો કે, માધવને સ્પષ્ટ કર્યું નથી કે આ ફિલ્મ છે, વેબ સિરીઝ છે કે પછી બીજુ કંઈ. હાલ તો તેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.
ટીઝરમાં માધવન અને ધોનીને બે જાબાઝ અધિકારી તરીકે બતાવવામાં આવ્યા છે, જે ‘એક મિશન’ પર છે. બંને યુનિફોર્મ પહેરીને દેખાયા છે. ધોનીને શાંત અને વિચારશીલ ‘કુલ હેડ’ તરીકે બતાવવામાં આવ્યા છે, જ્યારે માધવનને રોમાટીક અધિકારી તરીકે બતાવાયા છે. આ વીડિયોમાં કહેવાયું છે કે આ એક મનોરંજક એક્શન-થ્રિલર શો હશે. કાળા ચશ્મા પહેરેલા માધવન અને ધોની દુશ્મનો પર તેજ ગતિએ ગોળીઓ વરસાવતો જોવા મળે છે.
ક્લિપ શેર કરતા માધવને કેપ્શનમાં લખ્યું, “એક મિશન. બે જાબાઝ. તૈયાર થઈ જાઓ- એક તોફાની અને વિસ્ફોટક ચેઝ શરૂ થવાની છે. ધ ચેઝ- ટીઝર હવે બહાર છે.” તેને વસન બાલા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. પરંતુ અંતમાં ક્યાંય પણ નથી લખાયું કે જો ફિલ્મ છે તો તે ક્યારે રિલીઝ થશે. માત્ર ‘કમિંગ સૂન’ લખમાં આવ્યું છે. આ વીડિયોને જોઈને ફેન્સ પ્રભાવિત થયા છે અને તેને વાયરલ કરી રહ્યા છે.
વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદ થોડા સમયમાં વાયરલ થયો અને યુઝર્સે કમેન્ટમાં જોરદાર પ્રતિક્રિયાઓ આપી. ટીઝર લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. યુઝર્સ અસમંજસમાં છે કે આ ફિલ્મ છે કે જાહેરાત. કમેન્ટમાં લોકોએ સવાલોની વર્ષા કરી છે. યુઝર્સે પૂછ્યું કે આ કેવું સસ્પેન્સ છે, શું અમારા થાલા હવે હીરો બની ગયા છે, જો એવું છે તો મજા આવી જશે. ધોનીની વાત કરીએ તો તેઓ અનેક જાહેરાતોમાં કામ કરી ચૂક્યા છે અને અગાઉ તમિલ ફિલ્મ GOATમાં સ્પેશિયલ અપીયરન્સમાં પણ જોવા મળ્યો હતો. જ્યારે માધવન તાજેતરમાં નેટફ્લિક્સની ફિલ્મ ‘આપ જૈસા કોઈ’માં ફાતિમા સના શેખ સાથે દેખાયો હતો અને તેનો અભિનયના ખૂબ વખાણ થયા હતા.