ભારતીય મહિલા તીરંદાજ ત્રણ વર્ષ રૅન્ક વિનાની, હવે બની ગઈ વર્લ્ડ ચૅમ્પિયન!
મધુરા સિલ્વર અને બ્રૉન્ઝ પણ જીતીઃ આર્ચરીના વર્લ્ડ કપમાં ભારત કુલ આટલા મેડલ જીત્યું...

શાંઘાઈઃ મહિલાઓની તીરંદાજીના વર્લ્ડ કપમાં મહારાષ્ટ્રના અમરાવતી શહેરની મધુરા ધામણગાવકરે (Madhura Dhamangaonkar) એવી વિરલ સિદ્ધિ મેળવી છે જે દુનિયાની ભાગ્યે જ કોઈ તીરંદાજે મેળવી હશે. તે ત્રણ વર્ષ સુધી રૅન્ક વિનાની રહી હતી, પણ શનિવારે તે ચીનના શાંઘાઈમાં આર્ચરી (Archery)ના વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીતીને ચૅમ્પિયન બની ગઈ હતી. વ્યક્તિગત તીરંદાજીમાં તેનો આ પહેલો જ સુવર્ણ ચંદ્રક છે. તેના આ ગોલ્ડ સાથે ભારતે કુલ બે ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત કુલ પાંચ મેડલ જીતી લીધા છે. આ પાંચમાંથી ત્રણમાં મધુરાની ભૂમિકા હતી.
મધુરાએ ફાઇનલ રાઉન્ડમાં જબરદસ્ત કમબૅક કરીને ભારે રસાકસીમાં અમેરિકાની કાર્સન ક્રાહેને 139-138થી હરાવી દીધી હતી. 24 વર્ષની મધુરાનો તીરંદાજી વર્લ્ડ કપમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. અગાઉ તે ટીમ ગેમમાં સિલ્વર મેડલ અને મિક્સ્ડ-ટીમમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. પુરુષોની ટીમ ઇવેન્ટમાં ભારતના અભિષેક વર્મા, ઓજસ દેવતાળે અને ઓજસ દેવતાળે તથા રિષભ યાદવની ત્રિપુટીએ રોમાંચક ફાઇનલમાં મેક્સિકોની ટીમને 232-228થી પરાજિત કરીને ગોલ્ડ જીતી લીધો હતો.
મહિલાઓની ટીમ ગેમમાં પણ મધુરાએ ભાગ લીધો હતો. તેણે જ્યોતિ સુરેખા વેન્નમ તથા ચિકિતા તાનિપર્થીની ત્રિપુટીએ ફાઇનલમાં મેક્સિકન ટીમ સામેની 221-234ની હારને પગલે સિલ્વર મેડલ જીતી લીધો હતો. મધુરાએ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં અભિષેક સાથે મળીને બ્રૉન્ઝ જીતી લીધો હતો.