યુરો ફૂટબૉલ સ્પર્ધામાં સૌથી મોટી ઉંમરે ગોલ કરનાર ખેલાડી મૅચ પછી કેમ નાખુશ હતો?
લિપ્ઝિગ (જર્મની): યુરો-2024 નામની ફૂટબૉલ સ્પર્ધાના ઇતિહાસમાં નોંધાવ્યો રેકૉર્ડ, પ્રેક્ષકોએ ઊભા થઈને બહુમાન પણ કર્યું અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ પણ મળ્યો. આ બધુ થવા છતાં ક્રોએશિયાનો સ્ટાર ખેલાડી લૂકા મૉડ્રિચ જરાય સેલિબ્રેશનના મૂડમાં નહોતો અને ઇટલી સામેની મૅચ પછી નાખુશ હતો.
સોમવારે મૉડ્રિચની ઉંમર 38 વર્ષ, 289 દિવસ હતી. ઇટલી સામેની મૅચમાં પંચાવનમી મિનિટમાં તેણે ગોલ કર્યો હતો. એ સાથે આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોટી ઉંમરનો ગોલ-સ્કોરર બન્યો હતો. તેણે ઑસ્ટ્રિયાના ઇવિકા વૅસ્ટિચ (38 વર્ષ, 257 દિવસ)નો યુરો-2008નો વિક્રમ તોડી નાખ્યો હતો.
જોકે મૉડ્રિચ આ રેકૉર્ડ તોડ્યા પછી પણ ખુશ નહોતો, કારણકે ઇટલી સામેની મૅચ ક્રોએશિયા જીતી ન શક્યું એટલે નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય ન થઈ શક્યું. જોકે ઇટલી નૉકઆઉટમાં પહોંચી ગયું હતું.
ઇટલી વતી છેલ્લી ક્ષણોમાં મૅટિઆ ઝકાગ્નીએ ગોલ કર્યો એ સાથે મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી અને મૉડ્રિચનો ગોલ મૅચ-વિનિંગ બનતા જરાક માટે રહી ગયો હતો.
આ પણ વાંચો : Euro-2024 હંગેરીએ સૌથી મોડા વિક્રમજનક ગોલથી સ્કોટલેન્ડને યુરોમાંથી કર્યું આઉટ
મૉડ્રિચ 2012ની સાલથી પ્રોફેશનલ ફૂટબૉલમાં રિયલ મૅડ્રિડ ટીમ વતી રમે છે. એ ટીમને તે ઢગલાબંધ ટ્રોફી અપાવી ચૂક્યો છે.
મૉડ્રિચે 2006ની સાલમાં 20 વર્ષની ઉંમરે ક્રોએશિયા વતી ઇન્ટરનૅશનલ ફૂટબૉલમાં ડેબ્યૂ કર્યું હતું અને ક્રોએશિયા વતી 178 મૅચ રમી ચૂક્યો છે. 2018માં તે વિશ્ર્વનો બેસ્ટ ફૂટબોલરનો અવૉર્ડ જીત્યો હતો. યુરોપિયન ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં તેણે 16 મૅચમાં ચાર ગોલ કર્યા છે.
સોમવારની અન્ય એક મૅચમાં સ્પેનનો અલ્બેનિયા સામે 1-0થી વિજય થયો હતો.
કુલ 16 ટીમ નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થવાની છે અને એમાં આઠ ટીમ ક્વૉલિફાય થઈ ચૂકી છે: જર્મની, સ્પેન, ઇટલી, પોર્ટુગલ, સ્વિટ્ઝરલૅન્ડ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ.