લખનઉએ લેટેસ્ટ ફાસ્ટ બોલિંગ સેન્સેશનને માત્ર ત્રણ પર્ફોર્મન્સને આધારે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો!
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝના નવા ફાસ્ટ બોલર શમાર જોસેફનું માત્ર પચીસ દિવસમાં ભાગ્યચક્ર ફરી ગયું. હજી 17મી જાન્યુઆરીએ તેણે ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામે રમીને ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી. બીજી રીતે કહીએ તો તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એ જ દિવસે શરૂ થઈ હતી અને શનિવારે પચીસમા દિવસે તેને આઇપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમે ત્રણ શાનદાર બોલિંગ પર્ફોર્મન્સને આધારે ત્રણ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
24 વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર શમાર જોસેફના પચીસ દિવસમાં બોલિંગમાં દેખાવ આ મુજબ હતા: ઍડિલેઇડની ટેસ્ટમાં 94 રનમાં પાંચ વિકેટ અને સાત રનમાં વિકેટ નહીં તથા બ્રિસ્બેનની ટેસ્ટમાં 56 રનમાં એક વિકેટ અને 68 રનમાં મૅચ-વિનિંગ સાત વિકેટ.
વેસ્ટ ઇન્ડિઝને ઘણા વખતની ઝંઝાવાતી, પડકારરૂપ, અસરદાર અને વિકેટ-ટેકિંગ ફાસ્ટ બોલરની જરૂર હતી અને શમાર જોસેફના રૂપમાં તેમને એવો બોલર મળી ગયો છે. તેણે કરીઅરના પહેલા જ બૉલમાં સ્ટીવ સ્મિથની વિકેટ લીધી હતી. શમારે એ સિરીઝમાં ખાસ કરીને સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કૅમેરન ગ્રીન (બે વાર), ટ્રેવિસ હેડ, ઍલેક્સ કૅરી (બે વાર), મિચલ માર્શની વિકેટ લીધી હતી. બ્રિસ્બેનના ગૅબામાં કૅરિબિયન ટીમે શમાર જોસેફની સાત વિકેટના તરખાટની મદદથી જ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
શમાર જોસેફને ઇંગ્લૅન્ડના પેસ બોલર માર્ક વૂડના સ્થાને લખનઉએ ખરીદ્યો છે. હાલમાં વૂડ ઇંગ્લૅન્ડની ટીમ સાથે ભારતમાં છે. વૂડ પરનો વર્કલૉડ મૅનેજ કરવાના હેતુથી ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે તેને આઇપીએલમાં ન રમવા કહ્યું છે. જૂનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે અને ત્યાર પછી ઇંગ્લૅન્ડની ટીમ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ તથા શ્રીલંકા સામે રમશે એટલે ત્યારે વૂડ પૂર્ણ ફિટનેસ સાથે ઉપલબ્ધ રહે એવું બ્રિટિશ ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે.
2022ની આઇપીએલ વખતે લખનઉના ફ્રૅન્ચાઇઝીએ માર્ક વૂડને 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ તે કોણીની ઈજાને કારણે નહોતો રમી શક્યો. 2023માં વૂડ ચાર જ મૅચ રમ્યો હતો જેમાં તેણે 11 વિકેટ લીધી હતી.
નવાઈની વાત એ છે કે શમાર જોસેફને તાજેતરમાં યુએઇની ટી-20 લીગમાં દુબઈ કૅપિટલ્સે ખરીદ્યો હતો, પરંતુ ઑસ્ટ્રેલિયા સામેની બ્રિસ્બેનની ટેસ્ટમાં મિચલ સ્ટાર્કના યૉર્કરમાં બૉલ વાગતાં શમારને પગના અંગૂઠામાં ઈજા થઈ હતી જેને કારણે તે દુબઈની ટીમ વતી નહોતો રમી શક્યો.
શમારને સમગ્ર કરીઅરમાં માત્ર બે ટી-20 મૅચ રમવાનો અનુભવ છે અને એમાં તે એકેય વિકેટ નથી લઈ શક્યો. જોકે હવે તો આઇપીએલમાં રમવાનો તેને બહોળો અનુભવ મળશે તેમ જ 2024ની એક સીઝન રમવાના ત્રણ કરોડ રૂપિયા પણ કમાઈ લેશે.
લખનઉની ટીમમાં બીજા પણ ઘણા સારા અને જાણીતા ફાસ્ટ બોલર છે. એમાં ડેવિડ વિલી, નવીન ઉલ હક, મોહસિન ખાન, શિવમ માવી, યશ ઠાકુર તથા યુધવીર સિંહનો સમાવેશ છે. માર્કસ સ્ટોઇનિસ અને કાઇલ માયર્સ જેવા ઑલરાઉન્ડરો પણ લખનઉની ટીમમાં છે.