
લખનઊ: રાજસ્થાન રોયલ્સના હાઈએસ્ટ 14 પોઇન્ટ છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊ સામેની મૅચ પણ જીતશે એટલે 16 પોઇન્ટ સાથે પ્લે-ઑફમાં સ્થાન પાક્કું કરી લેશે. જોકે લખનઊ સુપર જાયન્ટ્સ જીતશે એટલે 12 પોઇન્ટ સાથે બીજા નંબરે રાજસ્થાનની લગોલગ આવી જશે.
24મી માર્ચે રાજસ્થાને હોમ-ગ્રાઉન્ડ જયપુરમાં લખનઊને 20 રનથી હરાવ્યું હતું. જોકે અત્યાર સુધીમાં માત્ર એક જ મૅચ (અને એ પણ ગુજરાત સામે છેલ્લા બૉલ પર)માં પરાજિત થનાર સંજુ સેમસનની ટીમને યાદ હશે કે લખનઊમાં કેએલ રાહુલની ટીમ ચારમાંથી ત્રણ મૅચ જીતી છે. એટલે રાજસ્થાનની ટીમ થોડી પણ કચાશ બતાવશે તો એને બીજી હારનો બટ્ટો લાગી જશે.
રાજસ્થાન અને લખનઊ, માત્ર બે એવી ટીમ છે જે સતત બે કે બેથી વધુ જીત સાથે લખનઊમાં સામસામે આવી રહી છે. બન્ને ટીમ ફોર્મની દ્રષ્ટિએ લગભગ એક્સરખી છે, બેટિંગમાં બેઉનો ટૉપ-ઑર્ડર ફોર્મમાં છે, રાજસ્થાનનો યશસ્વી જયસ્વાલ સેન્ચુરી સાથે (મુંબઈ સામે 60 બૉલમાં અણનમ 104) પાછો અસલ ફોર્મમાં આવી ગયો છે તો લખનઉનો માર્કસ સ્ટોઈનિસ (ચેન્નઈ સામે 63 બૉલમાં અણનમ 124) પણ હવે અસલ મિજાજમાં રમવા લાગ્યો છે. બન્ને ટીમ પાસે વરાઈટીમાં હરીફ ટીમ પર અસરદાર આક્ર્મણ કરી શકે એવા બોલર્સ છે.
આજે જીતવા માટે કોણ ફેવરિટ છે એ કહેવું મુશ્કેલ છે. લખનઊ માટે હોમ પિચ છે, પરંતુ આજની મૅચ બૉલ ધીમા અને નીચા રાખતી કાળી માટીવાળી પિચ પર રમાવાની હોય કે પેસ બોલર્સને બાઉન્સ અપાવતી લાલ માટીવાળી પિચ પર, રાજસ્થાનની ટીમ બન્ને માટે સક્ષમ છે.
ટૂંકમાં, આજની બન્ને હરીફ ટીમ બરાબરીની છે. બેઉના કેપ્ટન (સેમસન અને રાહુલ) વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. મૅચ જો કાળી માટીથી બનેલી પિચ પર રમાશે તો રાજસ્થાન સ્પિનર કેશવ મહારાજને ફરી ટીમમાં સમાવશે.
લખનઊનો રેકોર્ડ-બ્રેકર ઝંઝાવાતી ફાસ્ટ બોલર મયંક યાદવ પાછો બોલિંગ રન-અપ પર આવી રહ્યો છે તો સામી ટીમમાં રાજસ્થાનનો સંદીપ શર્મા ઈજામુક્તિ બાદ મુંબઈની પાંચ વિકેટ લઈને હવે લખનઊને પડકારશે. ટ્રેન્ટ બોલ્ટ અને આવેશ ખાન પણ લખનઊ માટે ટેન્શન પેદા કરી શકે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રાજસ્થાન: સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, રોવમેન પૉવેલ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ. 12મો પ્લેયર : ધ્રુવ જુરેલ
લખનઊ: કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), ક્વિન્ટન ડિકૉક, માર્કસ સ્ટોઈનિસ, દેવદત્ત પડિક્કલ, નિકોલસ પૂરન, દીપક હૂડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મૅટ હેન્રી, રવિ બિશ્નોઈ અને મોહસિન ખાન. 12મો પ્લેયર: મયંક યાદવ/યશ ઠાકુર.