IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અગામી સિઝનમાં દરેક ટીમમાં મોટા બદલાવ જોવા મળી શકે છે, આગામી સિઝન પહેલા IPL મેગા ઓક્શન યોજાશે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) ટીમમાંથી કેપ્ટન કે એલ રાહુલ(KL Rahul)ને છુટો કરવામાં આવે એ લગભગ નક્કી છે, એવામાં એવી અટકળો વહેતી થઇ છે કે LSG રોહિત શર્માને 50 કરોડ રૂપિયાની જંગી રકમ આપીને ખરીદી શકે છે. LSGના માલિક સંજીવ ગોએન્કા(Sanjiv Goenka)એ આ અટકળો અંગે પ્રતિક્રિયા આપી હતી.
બુધવારે સંજીવ ગોએન્કાએ ટીમના નવા મેન્ટર તરીકે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનની નિમણૂકની જાહેરાત કરી હતી. LSG ગત IPL સિઝનમાં પ્લેઓફના સ્પોટમાં પ્રવેશવાથી ચૂકી ગઈ હતી, ત્યાર બાદ સંજીવ ગોએન્કા અને કેપ્ટન કેએલ રાહુલ વચ્ચેના મતભેદના સપાટી પર આવી ગયા હતા. હાર બાદ ગોએન્કા મેદાન પર જ કેએલ રાહુલને ઠપકો આપતા દેખાયા હતા. ઓક્શન પહેલા LSG કેએલ રાહુલને રીટેઈન કરે એવી શક્યતા ઓછી છે.
LSG કોઈ આગામી સિઝન માટે કોઈ મજબુત અને અનુભવી કેપ્ટનની તલાસમાં છે, એવામાં ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માના નામને LSG સાથે જોડવામાં આવી રહ્યું છે. ગત IPL સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે (MI)એ વિવાદાસ્પદ રીતે રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. આ નિર્ણય MI અને રોહિત ફેન્સને પસંદ પડ્યો ન હતો.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે LSGએ રોહિતને ટીમમાં સમાવવા રૂ.50 કરોડનું બજેટ અલગ રાખ્યું હતું. એક ઇન્ટરવ્યુ દરમિયાન LSGના માલિક સંજીવ ગોએન્કાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આ અટકળોને ફગાવી દીધી હતી.
ગોએન્કાએ સ્વીકાર્યું હતું કે રોહિત શર્મા જેવા કેપ્ટન અને ખેલાડીને રાખવાથી કોઈપણ ટીમની ક્ષમતાને ફાયદો થશે, સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે એક જ ખેલાડી માટે આટલી મોટી રકમ અનામત રાખવી અવાસ્તવિક છે.
ગોએન્કાએ કહ્યું કે “શું તમને ખબર છે કે રોહિત શર્મા હરાજીમાં પ્રવેશી રહ્યો છે કે નહીં? આ બધું મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માને છોડે છે કે નહીં તેના પર નિર્ભર કરે છે. અને જો રોહિત હરાજીમાં આવે તો પણ… જો તમે તમારા પર્સનો 50 ટકા એક ખેલાડી પર લગાવી દેશો તો તમે અન્ય પ્લેયર કેવી રીતે ખરીદશો?”
સંજીવ ગોએન્કાએ રાહુલ સાથેના વિવાદ અંગે પણ વાત કરી અને ટીમમાં કેએલના ભાવિ અંગેની અટકળો વચ્ચે તેને “ફ્રેન્ચાઇઝીનો અભિન્ન ભાગ” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે “કેએલ શરૂઆતથી જ એલએસજી પરિવારનો અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તેણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે પરિવાર જેવો છે અને પરિવારનો ભાગ જ રહેશે.”
Also Read –