જૉ રૂટ 99 રને નૉટઆઉટ, ઇંગ્લૅન્ડના ચાર વિકેટે 251…

લંડનઃ ઇંગ્લૅન્ડે (England) અહીં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 83 ઓવરમાં ચાર વિકેટે 251 રન કર્યા હતા. જૉ રૂટ 191 બૉલમાં નવ ફોરની મદદથી 99 રને નૉટઆઉટ રહ્યો હતો અને 37મી સદીથી એક જ રન દૂર હતો. તેની સાથે કૅપ્ટન બેન સ્ટૉકસ 102 બૉલમાં 39 રન કરીને દાવમાં હતો. ચારમાંથી બે વિકેટ નીતીશ રેડ્ડીએ તેમ જ એક-એક વિકેટ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. એકંદરે, ભારતીય બોલર્સે બ્રિટિશરોને કાબૂમાં રાખીને તેમને બૅઝબૉલ (આક્રમક બૅટિંગ) સ્ટાઇલથી રમતા રોક્યા હતા. તેમણે માત્ર 3.02ના રેટથી રન બનાવતાં પ્રેક્ષકો-દર્શકો માટે આ દિવસ બોરિંગ થઈ ગયો હતો.

ભારતે નવો બૉલ લીધા બાદ લૉર્ડ્સ (lords)ના મેદાન પર જીવજંતુઓના આતંકને કારણે રમત થોડી વાર માટે અટકાવવામાં આવી હતી.ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો બેન સ્ટૉક્સે જે નિર્ણય લીધો એ એના કેટલાક ટૉપ-ઑર્ડરના બૅટસમેનોની વિકેટ વહેલી પડી એને કારણે ખોટો સાબિત થઈ રહ્યો હતો, પરંતુ જૉ રૂટે લૉર્ડ્સની પિચ પર પોતાની હાજરી એટલી બધી મજબૂત બનાવી દીધી કે એને કારણે બુમરાહ સહિતના તમામ ભારતીય બોલર્સે સંઘર્ષ કરવો પડ્યો અને ખુદ રૂટે એક મહત્ત્વનો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો. રૂટ ભારત સામે ટેસ્ટ-ક્રિકેટમાં 3,000 રન કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

બન્ને ઓપનર ડકેટ (23 રન) અને ક્રૉવ્લી (18 રન)ની વિકેટ નીતીશ રેડ્ડીએ લીધી હતી. બન્નેના કૅચ રિષભ પંતે ઝીલ્યા હતા. કૅપ્ટન શુભમન ગિલે સ્પિનર જાડેજાને છેક 46મી ઓવર બાદ પહેલી વાર બોલિંગ આપી હતી અને તે પોતાની બીજી જ ઓવરમાં ઑલી પૉપ (44 રન)ની વિકેટ લેવામાં સફળ થયો હતો.
નંબર-વન બોલરે નંબર-વનને આઉટ કર્યો
બુમરાહે હજી બે દિવસ પહેલાં ટેસ્ટ-બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન બનેલા હૅરી બ્રૂકની વિકેટ લીધી હતી. બુમરાહે તેને કલાકે 140 કિલોમીટરની આસપાસની ઝડપે બૉલ ફેંકીને ક્લીન બોલ્ડ કર્યો હતો. બ્રૂક માત્ર 11 રન કરી શક્યો હતો. ભારતે પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને બુમરાહને અને ઇંગ્લૅન્ડે જૉશ ટન્ગના સ્થાને જોફ્રા આર્ચરને ટીમમાં સમાવ્યો છે.

પંત પછી સ્ટૉક્સને પણ ઈજા
રિષભ પંતને વિકેટકીપિંગ દરમ્યાન આંગળીમાં ઈજા થઈ હતી જેને કારણે તે દિવસની રમતની અધવચ્ચે જ પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો અને તેના સ્થાને સબસ્ટિટ્યૂટ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. 18 મહિના પહેલાં ધ્રુવે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વિકેટકીપિંગ કર્યું હતું.ઇંગ્લૅન્ડનો સુકાની બેન સ્ટૉક્સ હૅરી બ્રૂકની ચોથી વિકેટ પડ્યા બાદ બૅટિંગમાં આવ્યો હતો અને તેને (સ્ટૉક્સને) ઈજા થઈ હતી એમ છતાં તેણે બૅટિંગ ચાલુ રાખી હતી.