સ્પોર્ટસ
ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી; આ એક માત્ર ભારતીય બોલર…

દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20I મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રણ ઓવર ફેંકી અને 17 રન આપીને બે વિકેટ ઝડપી. 11મી ઓવર ફેંકવા આવેલા બુમરાહે બીજા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને મોટી સિદ્ધિ મેળવી. બ્રેવિસની વિકેટ સાથે બુમરાહે T20I માં 100 વિકેટ પૂરી કરી, અર્શદીપ સિંહ બાદ T20Iમાં 100 વિકેટ લેનારો બુમરાહ બીજો ભારતીય બન્યો. ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો.
ક્રિકેટના ઈતિહાસમાં માત્ર પાંચ જ બોલર એવા છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં 100 થી વધુ વિકેટ ઝડપી છે.
- લસિથ મલિંગા:
શ્રીલંકાનો દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ટેસ્ટ, ODI અને T20Iમાં 100 થી વધુ વિકેટ લીધી છે. તેણે 30 ટેસ્ટમાં કુલ 101 વિકેટ, ODIમાં 338 વિકેટ અને T20Iમાં 107 વિકેટ લીધી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ બોલર હતો. - ટિમ સાઉથી:
ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીએ ટેસ્ટ ક્રિકેટમાં 391, ODI માં 221 અને T20Iમાં 164 વિકેટ લીધી છે. ત્રણેય ફોર્મેટમાં 150થી વધુ વિકેટ લેનાર તે એક માત્ર બોલર છે. દરેક ફોર્મેટમાં 100 થી વધુ મેચ રમનાર એકમાત્ર બોલર છે. - શાકિબ અલ હસન:
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસને ટેસ્ટમાં 246 વિકેટ, ODIમાં 317 વિકેટ અને T20I આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 149 વિકેટ લીધી છે. આ યાદીમાં તે એકમાત્ર સ્પિનર છે. - શાહીન આફ્રિદ:
પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ ટેસ્ટ ક્રિકેટમાં 121, ODIમાં 135 અને T20Iમાં 126 વિકેટ લીધી છે. - જસપ્રીત બુમરાહે
તાજેતરમાં જસપ્રીત બુમરાહ પણ આ યાદીમાં સામેલ થયો છે. તેણે ટેસ્ટમાં 234 વિકેટ, ODIમાં 149 વિકેટ અને T20Iમાં 101 વિકેટ લીધી છે.
આ પણ વાંચો…બુમરાહ ટેસ્ટ-ક્રિકેટમાં 10,000મો બૉલ ફેંકનાર આટલામો ભારતીય બોલર બન્યો…



