અમેરિકાની મેજર લીગ સૉકરમાં મેસીનો વિક્રમ

ન્યૂ યૉર્કઃ આર્જેન્ટિનાના ફૂટબૉલ સિતારા લિયોનેલ મેસીએ અમેરિકાની મેજર લીગ સૉકર (MLS)માં ઇન્ટર માયામીને વધુ એક મૅચમાં વિજય અપાવવાની સાથે નવો ઇતિહાસ પણ રચ્યો છે. સતત બે સીઝનમાં ઓછામાં ઓછા 35 ગોલમાં યોગદાન તેનો નવો વિક્રમ છે. તેના નામે આ સીઝનમાં કુલ 37 ગોલમાં યોગદાન છે જે પણ એક રેકૉર્ડ છે. કોઈ ખેલાડી ગોલ કરે તેમ જ સાથી ખેલાડીને ગોલ કરવામાં મદદ કરે તો એ આસિસ્ટવાળો ગોલ પણ એ પ્લેયરના ગોલના યોગદાનમાં ગણાય છે અને આ સીઝનમાં મેસી (MESSI)ના નામે 37 ગોલ છે.
બુધવારે રાત્રે અહીં મેસીએ બે ગોલ કરીને ઇન્ટર માયામીને ન્યૂ યૉર્ક સિટી સામે 4-0થી વિજય અપાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. એ સાથે, માયામીએ એમએલએસના પ્લે-ઑફમાં પ્રવેશ અપાવ્યો હતો.
આ પણ વાંચો : રોનાલ્ડોએ મેસી કરતાં ઘણી ઓછી મૅચોમાં તેને ઓળંગીને નવો રેકૉર્ડ રચ્યો
માયામી વતી 43મી મિનિટમાં રૉડ્રિગેઝે પ્રથમ ગોલ કર્યો હતો. એ ગોલ કરવામાં મેસીએ તેને મદદ કરી હતી. મેસીએ 74મી મિનિટમાં ગોલ કર્યો હતો જે ટીમનો બીજો ગોલ હતો. 83મી મિનિટમાં સુઆરેઝે પેનલ્ટી કિકથી ગોલ કર્યો એ સાથે માયામીની સરસાઈ 3-0 થઈ હતી. 86મી મિનિટમાં મેસીએ વધુ એક ગોલ કરીને સરસાઈ 4-0 કરી આપી હતી.
માયામી (પંચાવન પૉઇન્ટ) આ વિજય સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબરે આવી ગયું છે અને એણે પ્લે-ઑફમાં સ્થાન પાકું કર્યું છે. ફિલાડેલ્ફિયા (60 પૉઇન્ટ) પ્રથમ ક્રમે અને એફસી સિનસિનાટી (58) બીજા ક્રમે છે.