મેસીનું ગણતરીના કલાકોમાં ભારતમાં આગમનઃ કોલકાતા, મુંબઈ સહિત ચાર શહેર વેલકમ કરવા તૈયાર…

કોલકાતા/મુંબઈઃ ભારતના પ્રવાસે આવી રહેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસી (Messi)નું શનિવારે સવારે કોલકાતામાં આગમન થશે અને એ પહેલાં કોલકાતામાં મેસીનું સૌથી ઊંચું 70 ફૂટનું સ્ટૅચ્યૂ (Statue) તૈયાર રાખવામાં આવ્યું છે. આ પ્રતિમા મૉન્ટી પાલ નામના આર્ટિસ્ટે બનાવી છે અને એને ` મૉન્યૂમેન્ટો દ મેસી’ નામ આપ્યું છે.
મેસી આ પહેલાં 2011ની સાલમાં ભારત આવ્યો હતો, પરંતુ ત્યારે અત્યાર જેટલો લોકપ્રિય નહોતો. કોલકાતાના એક સ્ટેડિયમમાં મેસીને લગતા કાર્યક્રમના રિહર્સલ તરીકે ફૂટબૉલપ્રેમીઓએ શુક્રવારે આર્જેન્ટિના તેમ જ ભારતના ધ્વજ સાથે પરેડ કરી હતી.

કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીને કાર્યક્રમ માટેની ટિકિટનો ભાવ 3,800 રૂપિયાથી માંડીને 11,800 રૂપિયા છે. મેસીને આખા પ્રવાસમાં ઝેડ કૅટેગરીનું સંરક્ષણ-કવચ અપાશે.
મેસી રવિવારે મુંબઈ આવશે અને તેના વેલકમ માટે મૂઝ (Mooz) નામના મુંબઈના જાણીતા ગ્રેફિટી આર્ટિસ્ટે સાયન-પનવેલ હાઇવે નજીકની એક ઇમારત પર મેસીનું વૉલ-પેઇન્ટિંગ બનાવ્યું છે. આ મ્યૂરલ 80 ફૂટ ઊંચું છે. મુંબઈમાં મેસીના કાર્યક્રમો ચર્ચગેટની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયામાં તથા વાનખેડેમાં નિર્ધારિત છે.

તે એક ફૅશન શૉમાં રૅમ્પર પર કૅટવૉક પણ કરશે અને વર્લ્ડ કપને લગતી તેની કેટલીક ચીજોની હરાજીમાં ઉપજનારી રકમ પછીથી આયોજકો દ્વારા જરૂરતમંદોને દાનમાં આપી દેવાશે. મેસી હૈદરાબાદ તથા દિલ્હી પણ જશે.
આ પણ વાંચો…મેસી મુંબઈમાં ક્રિકેટરો અને ઍક્ટરોની હાજરીમાં રૅમ્પ પર કરશે કૅટવૉક!



