કેદારની ટીમ લેજન્ડ્સ લીગમાં ચૅમ્પિયન, જાણો કોની ટીમને ફાઇનલમાં કેવી રીતે હરાવી?
શ્રીનગર: કેદાર જાધવના સુકાનમાં સધર્ન સુપરસ્ટાર્સ ટીમે બુધવારે અહીં ફાઇનલમાં ઇરફાન પઠાણના સુકાનવાળી કોનાર્ક સૂર્યાઝ ઑડિશાની ટીમને ટાઇ પછીની સુપર ઓવરમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં 30,000 પ્રેક્ષકોએ આ રોમાંચક મુકાબલો માણ્યો હતો.
સધર્નની ટીમે ટૉસ જીત્યા બાદ ઝિમ્બાબ્વેના હૅમિલ્ટન માસાકાદઝા (83 રન, 58 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 164 રન બનાવ્યા હતા જેમાં પવન નેગીના 33 રન અને માર્ટિન ગપ્ટિલના 27 રન પણ હતા. દિલશાન મુનાવીરાએ નવ રનમાં ચાર વિકેટ લીધી હતી.
આ પણ વાંચો :મેદાન પર કોહલી અને રાહુલ પર ભડક્યો રોહિત શર્મા, જુઓ વાયરલ વીડિયો
કોનાર્કની ટીમે પણ 20 ઓવરમાં યુસુફ પઠાણ (85 રન, 38 બૉલ, આઠ સિક્સર, છ ફોર)ની દમદાર ઇનિંગ્સની મદદથી તેમ જ કેવિન ઓબ્રાયનના 17 રનની મદદથી નવ વિકેટે 164 રન બનાવ્યા હતા. સધર્નના હમીદ હસન, અબ્દુર રઝાક, નેગી અને ચતુરંગા ડિસિલ્વાએ બે-બે વિકેટ લીધી હતી.
સુપર ઓવરમાં કોનાર્કના સુકાની ઇરફાન પઠાણ અને તેના મોટા ભાઈ યુસુફે કુલ 14 રન બનાવ્યા હતા. 15 રનના લક્ષ્યાંક સામે સધર્ન વતી ગપ્ટિલે પહેલા બે બૉલમાં સિક્સર ફટકારી હતી. દિવેશ પઠાણિયાએ તેને આઉટ કર્યો હતો, પણ સધર્ને પાંચ જ બૉલમાં ટાર્ગેટ મેળવીને વિજેતાપદ મેળવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ક્રિસ ગેઇલ, ઇયાન બેલ તેમ જ શિખર ધવન પણ રમ્યા હતા.