વિદર્ભના પાર્થ રેખાડેએ પાંચ બૉલમાં રહાણે, સૂર્યા, શિવમને આઉટ કર્યાઃ મુંબઈ મુશ્કેલીમાં

નાગપુરઃ અહીં રણજી ટ્રોફીની પાંચ-દિવસીય સેમિ ફાઇનલમાં લેફ્ટ-આર્મ સ્પિનર પાર્થ રેખાડે (16-6-16-3)એ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈના ત્રણ મહત્ત્વના બૅટરની વિકેટ લઈને વિદર્ભને મજબૂત પકડ અપાવી હતી. વિદર્ભના પ્રથમ દાવના 383 રનના જવાબમાં મુંબઈએ આજે સાત વિકેટે 188 રન બનાવ્યા હતા અને વિદર્ભથી 195 રનથી પાછળ હતું.
પાર્થ રેખાડેએ મુંબઈના કૅપ્ટન અજિંક્ય રહાણે (18), સૂર્યકુમાર યાદવ (0) અને શિવમ દુબે (0)ની વિકેટ લીધી હતી. રેખાડેએ પાંચ બૉલમાં આ ત્રણેયને આઉટ કર્યા હતા. રેખાડેની 41મી ઓવરના પ્રથમ બૉલમાં રહાણેને ક્લીન બોલ્ડ કર્યા બાદ ત્રીજા બૉલમાં સૂર્યાને અને પાંચમા બૉલમાં શિવમને કૅચઆઉટ કરાવ્યા હતા.
શાર્દુલ ઠાકુરે 37 રન બનાવ્યા હતા. જોકે ઓપનર-વિકેટકીપર આકાશ આનંદ (67 બૉલ, 171 બૉલ, છ ફોર)ને વિદર્ભનો કોઈ બોલર નહોતો નમાવી શક્યો. બીજા દિવસની રમતને અંતે તેની સાથે તનુષ કોટિયન પાંચ રને રમી રહ્યો હતો. વિદર્ભના યશ ઠાકુરે બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…દુબઈની પિચ ભારતીય ટીમ માટે વિપરીત થઈ શકેઃ ખુદ પિચ ક્યૂરેટરે મોટો ખુલાસો કર્યો છે
દરમ્યાન અમદાવાદમાં ગુજરાત સામે 30 વર્ષીય વિકેટકીપર મોહમ્મદ અઝહરુદ્દીને 149 રને નૉટઆઉટ રહીને કેરળને 400-પ્લસનો સ્કોર અપાવીને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું. બીજા દિવસની રમતને અંતે કેરળનો પ્રથમ દાવનો સ્કોર સાત વિકેટે 418 રન હતો. કૅપ્ટન સચિન બૅબીએ 69 રન બનાવ્યા હતા. ગુજરાતના આઠ બોલરમાં અર્ઝાન નાગવાસવાલાને ત્રણ વિકેટ મળી હતી.