સુરતની રણજી મૅચમાં ગજબ કિસ્સોઃ બૅટ્સમૅન બે વખત બૅટથી બૉલને અડ્યો એટલે અમ્પાયરે કહ્યું, ‘આઉટ’

કાયદામાં ક્નફ્યૂઝન છેઃ ક્રિકેટ નિષ્ણાતો કહે છે કે આઉટ, પણ કાયદો કંઈક જૂદું જ કહે છે
સુરતઃ શું કોઈ બૅટ્સમૅન એક બૉલ ફેંકાયા બાદ બૅટથી બે વખત બૉલને ફટકારે (કે અડકી જાય) તો તે આઉટ કહેવાય? સુરત (Surat)માં રણજી (Ranji)ટ્રોફી પ્લેટ લીગ મૅચમાં મણિપુરના લામાબમ સિંહને ` હિટિંગ ધ બૉલ ટ્વાઇસ’ તરીકે આઉટ જાહેર કર્યો હતો.
ક્રિકેટના ઇતિહાસમાં આ રીતે જવલ્લે જ આઉટ આપવામાં આવ્યા છે, પરંતુ અમ્પાયરના આ નિર્ણય પર ચર્ચા જાગી છે જેમાં બૅટ્સમૅન આ રીતે આઉટ ગણાય કે નહીં એના પર ચર્ચા થઈ રહી છે. આ પહેલાં, રણજીમાં 2005માં જમ્મુ-કાશ્મીરના કૅપ્ટન ધ્રુવ મહાજનને ઝારખંડ સામેની મૅચમાં આ જ રીતે આઉટ અપાયો હતો.

મણિપુરનો લામાબમ (0) 19 બૉલમાં એકેય રન નહોતો કરી શક્યો અને 20મા બૉલમાં ` હિટિંગ ધ બૉલ ટ્વાઇસ’ આઉટ અપાયો હતો. બન્યું એવું કે લામાબમ મેઘાલયના આર્યન બોરાના બૉલને ડિફેન્સિવલી રમ્યો ત્યાર બાદ બૉલ સ્ટમ્પ્સ તરફ જઈ રહ્યો હતો એટલે લામાબમે બૅટ (Bat)થી બૉલને સ્ટમ્પ્સમાં જતો રોક્યો હતો.
આ ઘટના નજરે જોનારાનું કહેવું છે કે લામાબમે (Lamabam) બીજી વાર બૉલને બૅટ અડાડ્યું એ પાછળનો તેનો એકમાત્ર હેતુ બૉલને સ્ટમ્પ્સ (Stumps)માં જતા રોકવાનો જ હતો અને ક્રિકેટના કાયદા હેઠળ એવું કરવાની છૂટ છે. જોકે અપીલ બાદ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો અને લામાબમ પૅવિલિયનમાં જતો રહ્યો હતો. ખુદ બૅટ્સમૅન લામાબમે કે તેની ટીમે અમ્પાયરના નિર્ણયનો વિરોધ નહોતો કર્યો.
જોકે સુરતના સ્ટેડિયમમાં હાજર કેટલાક અધિકારીઓનું એવું કહેવું હતું કે લામાબમે જો બૉલને સ્ટમ્પ્સમાં જતા રોકવા પોતાના પૅડનો ઉપયોગ કર્યો હોત તો અમ્પાયરે તેને આઉટ ન આપ્યો હોત.
બીજી તરફ, ક્રિકેટના કાયદા ઘડનાર એમસીસીના ગ્રંથમાં 34.1.1 નંબરના નિયમમાં લખાયું છે કે ` બૉલ ઇન-પ્લે હોય અને બૅટ્સમૅને જો બૅટથી કે શરીરના કોઈ ભાગથી બીજી વાર બૉલને ટચ કર્યો હોય તો તે આઉટ ગણાય. જોકે બૅટ્સમૅને પોતાની વિકેટને રક્ષણ આપવાના એકમાત્ર હેતુથી બીજી વખત બૉલને બૅટથી ટચ કર્યો હોય તો તે આઉટ ન ગણાય.’



