સ્પોર્ટસ

લેડીઝ ફર્સ્ટ: આરસીબીને પુરુષોથી પહેલાં મહિલાઓ ટ્રોફી અપાવી શકે એમ છે

નવી દિલ્હી: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પુરુષોની ટીમ અને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મહિલાઓની ટીમ વચ્ચે બહુ સારી સામ્યતાઓ ધ્યાનમાં આવી છે. 2008માં આઇપીએલ શરૂ થઈ ત્યારે આરસીબીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને રહી હતી. 2023માં મહિલાઓની ડબ્લ્યૂપીએલમાં આરસીબીની ટીમ પણ સેક્ધડ-લાસ્ટ સ્થાને રહી હતી. બીજું, 2008ની આઇપીએલમાં રાહુલ દ્રવિડ આરસીબીનો સુકાની હતો. 2023માં ડબ્લ્યૂપીએલની સૌપ્રથમ સીઝનમાં આરસીબીની કૅપ્ટન સ્મૃતિ મંધાના હતી.

ત્રીજું, 2009માં આઇપીએલની બીજી સીઝનમાં આરસીબીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ એમાં હારી જતાં ડેક્કન ચાર્જર્સની ટીમ ચૅમ્પિયન બની હતી. ડબ્લ્યૂપીએલમાં આ વખતે આરસીબીની ટીમ ફાઇનલમાં પહોંચી છે અને ટ્રોફી જીતીને પુરુષોની આરસીબી ટીમને વિચારતી કરી દેવાનો એને મોકો છે.

આ વખતે ફરક માત્ર એટલો છે કે મહિલાઓની આરસીબીની કૅપ્ટન મંધાના જ છે, પરંતુ પુરુષોની આરસીબી ટીમનું સુકાન વિદેશી ખેલાડી (ફૅફ ડુ પ્લેસી)ને સોંપાયું છે.

મંધાનાના નેતૃત્વમાં આરસીબીની રવિવારે દિલ્હી કૅપિટલ્સ (ડીસી) સામે ફાઇનલ (સાંજે 7.30 વાગ્યાથી) રમાશે. મેગ લેનિંગ ડીસીની કૅપ્ટન છે અને તેની ટીમમાં શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, જેસ જોનસન, શિખા પાન્ડે, તાનિયા ભાટિયા, મૅરિઝેન કૅપ, ઍલીસ કેપ્સી અને લૉરા હૅરિસનો સમાવેશ છે. મંધાનાની આરસીબી ટીમમાં ખાસ કરીને રિચા ઘોષ, એલીસ પેરી, આશા શોભના, રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ, સબ્ભીનેની મેઘના, દિશા કાસત, સૉફી ડિવાઇન, કેટ ક્રૉસ, વગેરે સામેલ છે.

આઇપીએલમાં આરસીબીની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે, પણ એક પણ વખત ટાઇટલ નથી જીતી શકી. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગ્લેન મૅક્સવેલ, ફૅફ ડુ પ્લેસી, કૅમેરન ગ્રીન, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, કેવિન પીટરસન, ડેનિયલ વેટોરી, શેન વૉટ્સન, અનિલ કુંબલે, વગેરે આરસીબીની ટીમમાં રહી ચૂક્યા છે એમ છતાં આ ટીમ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પહોંચવા છતાં ચૅમ્પિયન નથી બની શકી. હવે 2024ની સીઝનમાં આ ટીમ ચૅમ્પિયન બનશે તો નવાઈ નહીં લાગે, પણ એ પહેલાં સ્મૃતિ મંધાનાના સુકાનમાં આરસીબીને ટાઇટલ નસીબમાં છે કે નહીં એ આજે રાતે નક્કી થઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button