વિખ્યાત ફૂટબોલર સામે બળાત્કારનો આક્ષેપ, સૉકરવિશ્ર્વમાં સનસનાટી મચી ગઈ

પૅરિસ: 2022ના ફિફા વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સના સુપરસ્ટાર ફૂટબોલર અને લિયોનેલ મેસી તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીના ત્રીજા નંબરના વિખ્યાત ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેનું નામ સ્વિડનમાં એક મહિલા પરના બળાત્કારને લગતી તપાસમાં લેવામાં આવતાં સૉકર જગતમાં સનસનાટી મચી ગઈ છે.
જોકે ઍમ્બપ્પેએ બળાત્કારના કિસ્સાની તપાસમાં પોતાનું નામ કેવી રીતે આવ્યું એ વિશે આશ્ર્ચર્ય વ્યક્ત કરવાની સાથે પોતાને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો એ બદલ કસૂરવાર સામે કાનૂની અને બદનક્ષીના પગલાં ભરવાનું નક્કી કરી લીધું છે.
ફ્રાન્સનો કૅપ્ટન અને રિયલ મૅડ્રિડનો સ્ટાર ફૂટબોલર ઍમ્બપ્પે નિશ્ર્ચિંત છે, કારણકે તેણે કંઈ જ ખોટું નથી કર્યું. તેણે પોતાના વકીલ મારફત કહેવડાવ્યું છે કે ગયા અઠવાડિયે તે કેટલાક મિત્રો સાથે સ્ટૉકહૉમ ગયો હતો અને એ જ અરસામાં (10મી ઑક્ટોબરે) સ્વિડનના સ્ટૉકહૉમની ‘બૅન્ક હોટેલ’માં બળાત્કારનો બનાવ બન્યો એ બાબતને ધ્યાનમાં રાખીને તેને શકમંદ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :ભારતની વિશ્વવિક્રમી મહિલા સ્પિનર આઇસીસીના હૉલ ઑફ ફેમમાં સામેલ
સ્વિડનના સરકારી વકીલે જણાવ્યું હતું આ બળાત્કારના કિસ્સા સંબંધમાં પોલીસને રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે.
ઍમ્બપ્પેના પ્રતિનિધિઓએ પત્રકારોને જણાવ્યું હતું કે બળાત્કારના બનાવમાં ઍમ્બપ્પેને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે.
ઍમ્બપ્પેની ટીમે ખોટી અફવા ફેલાવવાનો સ્વિડિશ અખબારો સામે આક્ષેપ કર્યો છે.
2018માં ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ જીત્યું ત્યારે ઍમ્બપ્પે ફ્રાન્સની ટીમમાં હતો. તે સાત વર્ષ સુધી પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સાથે રહ્યા બાદ તાજેતરમાં જ રિયલ મૅડ્રિડની ટીમમાં જોડાયો છે.