કાનપુરમાં કુલદીપની કઈ આશા પર ફરી પાણી ફરી વળ્યું?
કાનપુર: લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવનું હોમ-સ્ટેટ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં પહેલી વાર ટેસ્ટ-મૅચ રમવાનું ઘણા સમયથી સપનું હતું અને શુક્રવારે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં એ અવસર આવી ગયો એવું તેણે ધાર્યું હશે, પણ તેની આશા ફળીભૂત નહોતી થઈ. કૅપ્ટન રોહિત શર્મા, હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતના ટીમ-મૅનેજમેન્ટે ચેન્નઈમાં ભારતે 280 રનથી જે ટેસ્ટ મૅચ જીતી એ જ મૅચના અગિયાર ખેલાડી બીજી ટેસ્ટમાં જાળવી રાખવાનું નક્કી કર્યું હતું.
કુલદીપ હોમ-સ્ટેટ ઉત્તર પ્રદેશમાં વન-ડે મૅચ (2022માં લખનઊમાં સાઉથ આફ્રિકા સામે અને 2023માં લખનઊમાં ઇંગ્લૅન્ડ સામે) તેમ જ ટી-20 ઇન્ટરનૅશનલ (2018માં લખનઊમાં વેસ્ટ ઇન્ડિઝ સામે અને 2023માં લખનઊમાં ન્યૂ ઝીલૅન્ડ સામે) રમ્યો છે, પરંતુ પોતાના આ જ રાજ્યમાં ટેસ્ટ-મૅચ રમવાનો અવસર તેને ક્યારેય નથી મળ્યો. શુક્રવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બાંગ્લાદેશ સામે શરૂ થયેલી ટેસ્ટમાં પોતાને રમવા મળશે એવી કુલદીપે આશા રાખી હશે, પણ ટીમ-ઇલેવનમાં કોઈ જ ફેરફાર ન કરાતાં તેની મનની મનમાં રહી ગઈ હતી.
કુલદીપ કાનપુરનો છે. 1994ની 14મી ડિસેમ્બરે તેનો જન્મ કાનપુરમાં થયો હતો. નાનપણથી ક્રિકેટર બનવાનું તેનું સપનું હતું. તે ઉત્તર પ્રદેશ અન્ડર-19 ટીમ વતી અને પછી રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ વતી રમ્યો હતો.
આ પણ વાંચો : IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા
કાનપુરમાં ટેસ્ટ મૅચ બહુ ઓછી રમાય છે અને એમાં આ વખતે રમાવાની હોવાથી કુલદીપને એમાં રમવાની ઘણી આશા હતી. કાનપુરના ગ્રીન પાર્કની પિચ સ્પિનર્સને વધુ મદદકર્તા હોવાથી તેની આશા પ્રબળ બની હતી. જોકે રવિચન્દ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા ઉપરાંતના ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલને રમાડવામાં આવશે એવી પણ ચર્ચા હતી, પરંતુ અક્ષર કે કુલદીપ, બેમાંથી કોઈને પણ મોકો નથી મળ્યો.
કુલદીપ વિશ્ર્વના અનેક મેદાનો પર રમ્યો છે, પરંતુ કાનપુરના હોમ-ગ્રાઉન્ડમાં ક્યારેય રમવાની તેને તક નથી મળી.