મળો, ભારતને સુપર-ફોરમાં પહોંચાડનાર કુલદીપ યાદવની ફિયાન્સીને…

મુંબઈ/દુબઈઃ લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર અને ચાઇનામૅન તરીકે ઓળખાતા કુલદીપ યાદવે (Kuldeep yadav) યુએઇમાં ચાલતા એશિયા કપમાં પહેલાં યુએઇ સામે સાત રનમાં ચાર વિકેટ લીધી અને પછી રવિવારે પાકિસ્તાન સામે 18 રનમાં ત્રણ વિકેટ મેળવીને ભારતને શાનદાર જીત અપાવી તેમ જ બન્ને મુકાબલામાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો એટલે હમણાં તો આ 30 વર્ષીય સ્પિનરનો જ ભારતની હરીફ ટીમોને સૌથી વધુ ડર છે એટલે ચાલો, આપણે કુલદીપની પર્સનલ લાઇફ વિશે થોડું જાણી લઈએ. કુલદીપના કાંડાની કરામતને કારણે જ ભારત બહુ જલદીથી સુપર-ફોર રાઉન્ડમાં પ્રવેશ કરી શક્યું છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલા કુલદીપે ઑક્ટોબર, 2014માં (20 વર્ષની ઉંમરે) પ્રથમ કક્ષાની મૅચો રમવાનું શરૂ કર્યું હતું અને માર્ચ, 2017માં તેને પહેલી વાર ભારત વતી રમવાનો મોકો મળ્યો હતો. 13 ટેસ્ટ, 113 વન-ડે અને 42 ટી-20 રમી ચૂકેલા કુલદીપે હજી ત્રણ જ મહિના પહેલાં જાણીતી વીમા કંપનીની ઑફિસર વંશિકા (Vanshika) સાથે સગાઈ (Engagement) કરી હતી. કેટલાક અહેવાલો મુજબ કુલદીપ અને વંશિકા નાનપણથી એકમેકને ઓળખતાં હતાં અને વર્ષોની દોસ્તીને તેમણે રિલેશનશિપમાં ફેરવી અને હવે તેઓ જીવનસાથી બની ગયાં છે.
વંશિકા મૂળ લખનઊની છે. તે ક્રિકેટની દુનિયાની ઝાકઝમાળથી દૂર રહી છે અને કુલદીપ સાથે એન્ગેજમેન્ટ પછી પણ તે સોશ્યલ મીડિયાથી દૂર રહી છે. આ વર્ષની ચોથી જૂને લખનઊમાં તેમણે સગાઈ કરી ત્યારે સમારંભમાં ક્રિકેટર રિન્કુ સિંહ અને તેની વાગ્દત્તા પ્રિયા સરોજ હાજર રહ્યાં હતાં.
વંશિકા ભારતની કોઈ પણ મૅચ વખતે સ્ટેડિયમમાં નથી જોવા મળી, પરંતુ કુલદીપને સંઘર્ષના દિવસોમાં તેણે ઘણો નૈતિક ટેકો આપ્યો છે અને તેનું મનોબળ વધાર્યું છે જેને લીધે જ કુલદીપને સ્પિનર્સ વચ્ચે તીવ્ર હરીફાઈ હોવા છતાં ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા મળ્યું છે.
આ પણ વાંચો…માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલદીપ યાદવની અવગણના કેમ કરવામાં આવી? બોલિંગ કોચે કરી સ્પષ્ટતા…