
કોલકાતા: રાજસ્થાન રોયલ્સે (20 ઓવરમાં 224/8) ઈડન ગાર્ડન્સમાં યજમાન ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ (20 ઓવરમાં 223/6)ને હાઇ સ્કોરિંગ અને દિલધડક મુકાબલામાં બે વિકેટે હરાવીને મોખરે પોતાનું સ્થાન 12 પોઇન્ટ સાથે વધુ મજબૂત કર્યું હતું. આઈપીએલનો આ બિગેસ્ટ રન ચેઝ બન્યો છે.
જોસ બટલરે (107 અણનમ, 60 બૉલ, છ સિક્સર, નવ ફોર) મૅચનો સુપરસ્ટાર સાબિત થયો હતો. તેણે વરુણના છેલ્લા બૉલમાં વિજયી રન બનાવ્યો હતો. બટલરે 56 બૉલમાં 109 રન બનાવવા ઉપરાંત બે વિકેટ લેનાર અને એક કૅચ પકડનાર સુનીલ નારાયણના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સને ઝાંખો પાડી દીધો હતો. બટલર આ વખતની આઈપીએલમાં બીજી સેન્ચુરી ફટકારનારાજ પ્રથમ બૅટર છે.
બટલરે ૬ એપ્રિલે આરસીબી સામે અણનમ 100 રન બનાવ્યા હતા.

રિયાન પરાગે 34 અને પોવલે 26 રન બનાવ્યા હતા. હર્ષિત, નારાયણ, વરુણે બે-બે વિકેટ લીધી હતી. આઇપીએલ-2024માં વધુ એક હાઈ-સ્કોરિંગ મૅચ રમાઈ. આ આઈપીએલમાં હવે ૨૦૦-પ્લસના સ્કોર સામાન્ય થઈ ગયા છે. કોલકાતા નાઇટ રાઇડર્સે બૅટિંગ મળ્યા બાદ રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં છ વિકેટે 223 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને 224 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ સિક્સર, તેર ફોર) નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં રાજસ્થાનના ખાસ કરીને બે મુખ્ય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (4-0-54-1) અને આર. અશ્ર્વિન (4-0-49-0)ની બોલિંગ ઍનેલિસિસ બગડી ગઈ હતી.

નારાયણ આ વખતની આઇપીએલનો પાંચમો સેન્ચુરિયન બન્યો હતો. તેની પહેલાં કોહલી (72 બૉલમાં અણનમ 113), બટલર (58 બૉલમાં અણનમ 100), રોહિત (63 બૉલમાં 105 અણનમ) અને ટ્રેવિસ હેડ (41 બૉલમાં 102)ના નામે સદી લખાઈ હતી.
નારાયણ અને અંગક્રિશ રઘુવંશી (30 રન, 18 બૉલ, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી થઈ હતી. નારાયણને 18મી ઓવરમાં ટ્રેન્ટ બૉલ્ટે ક્લીન બોલ્ડ કર્યો હતો.
કૅપ્ટન શ્રેયસ ઐયર (11 રન) ફરી એક ફ્લૉપ ઇનિંગ્સ રમ્યો હતો. આન્દ્રે રસેલ (13 રન) પાસે કેકેઆરને આતશબાજીની અપેક્ષા હતી, પણ તે 17મી ઓવરમાં 184 રનના કુલ સ્કોર પર આવેશ ખાનના બૉલમાં ડીપમાં ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. રિન્કુ સિંહ (20 અણનમ, નવ બૉલ, બે સિક્સર, એક ફોર)ને માત્ર નવ બૉલ રમવા મળ્યા હતા એટલે પોતાની ક્ષમતા પૂરી નહોતો બતાવી શક્યો.
14 એપ્રિલની લખનઊ સામેની મૅચનો હીરો ફિલ સૉલ્ટ બૅટિંગ મળ્યા બાદ ફક્ત 10 રન બનાવીને આઉટ થયો હતો.
આવેશ ખાનને અને કુલદીપ સેનને બે-બે વિકેટ તથા ચહલ અને બૉલ્ટને એક વિકેટ મળી હતી. ચહલની આઇપીએલમાં કુલ 199 વિકેટ થઈ છે.