કોહલીનું ૧૪ મહિને કમબૅક: ૧૨,૦૦૦ના મૅજિક આંકથી ૩૫ રન દૂર
કભારત આજે બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરવાના મૂડમાં: સાંજે ૭.૦૦ વાગ્યાથી લાઇવ
ઈન્દોરમાં શનિવારે વિરાટ કોહલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું
ઇન્દોર: ફિટનેસની બાબતમાં એવરગ્રીન તરીકે ઓળખાતો કિંગ કોહલી ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ૧૪ મહિને વાપસી કરી રહ્યો છે. તે શનિવારે બપોરે મુંબઈથી ઇન્દોર પહોંચી ગયો હતો. ભારત વતી ટી-૨૦માં છેલ્લે તે ૨૦૨૨માં ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. મોહાલીમાં ભારતે અફઘાનિસ્તાન સામે સિરીઝની પ્રથમ મૅચ કોહલી વિના પણ છ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી, પરંતુ હવે તે ટીમમાં પાછો આવી ગયો છે. પુત્રી વામિકાના ત્રીજા બર્થ-ડે વખતે ફૅમિલી પાસે રહેવાના કારણસર કોહલી પ્રથમ ટી-૨૦માં નહોતો રમ્યો.
આજે ઇન્દોરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી-૨૦ (સાંજે ૭.૦૦ વાગ્યાથી જીવંત પ્રસારણ) રમાશે. અફઘાનિસ્તાનની ટીમમાં મુખ્ય ઑલરાઉન્ડર રાશિદ ખાન નથી એ જોતાં નબળી મહેમાન ટીમ સામે રોહિત શર્મા ઍન્ડ કંપની રવિવારે પણ જીતીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ સાથે ટ્રોફી મેળવી શકે એમ છે. જોકે મુજીબ ઉર રહમાન અને મોહમ્મદ નબી સામે ભારતીય બૅટર્સની કસોટી થશે.
માર્ચ-એપ્રિલની આઇપીએલ અને જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપ પહેલાં કોહલી ટી-૨૦માં પાવર બતાવવા કોઈ કસર બાકી નહીં રાખે એ ખાતરીથી કહી શકાય, કારણકે વિશ્ર્વકપ પહેલાંની ભારતની આ આખરી ટી-૨૦ સિરીઝ છે અને કોહલી એમાં ચમકીને વિશ્ર્વ કપમાં પણ પોતે રમશે જ એનો અણસાર આપી દેશે.
ભૂતપૂર્વ વિકેટકીપર સબા કરીમે સ્ટાર સ્પોર્ટ્સને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘કોહલી કદાચ રોહિત સાથે ઓપનિંગમાં રમશે. જોકે હું માનું છું કે કોહલીએ વનડાઉનમાં જ રમવું જોઈએ.’
કોહલીને ટી-૨૦ ક્રિકેટમાં ૧૨,૦૦૦ રન પૂરા કરવા માત્ર ૩૫ રનની જરૂર છે. ટી-૨૦માં ૧૨,૦૦૦ રન પૂરા કરનારો તે ભારતનો પ્રથમ અને વિશ્ર્વનો ચોથો બૅટર બનશે. ટી-૨૦માં ક્રિસ ગેઇલના નામે ૧૪,૫૬૨ રન, શોએબ મલિકના નામે ૧૨,૯૯૩ રન અને કીરૉન પોલાર્ડના નામે ૧૨,૪૨૧ રન છે. આજની ઇન્દોરની પિચ ફ્લૅટ તથા આઉટફીલ્ડ ફાસ્ટ છે.
ભારત-અફઘાનિસ્તાનની ત્રીજી ટી-૨૦ બુધવારે બેન્ગલૂરુમાં રમા-
વાની છે અને કોહલી એમાં પણ રમવાનો છે.
ભારત ક્યારેય અફઘાનિસ્તાન સામે ટી-૨૦ મૅચ હાર્યું નથી. તમામ પાંચેય મૅચ ભારતે જીતી છે. બંને રાષ્ટ્ર વચ્ચેની આ પહેલી જ ટી-૨૦ સિરીઝ છે જે જીતીને ઇતિહાસમાં નામ અંકિત કરવાની ભારતીય ટીમને તક છે.