પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો કોહલી, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગાયકવાડ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો કોહલી, સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાંથી બહાર ગાયકવાડ

પ્રિટોરિયામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ ન લીધો

નવી દિલ્હી: ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટી-૨૦ સિરીઝ અને વન-ડે સિરીઝ બાદ હવે બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાથી અચાનક મુંબઈ પરત ફર્યો છે.

વિરાટ હાલમાં પ્રિટોરિયામાં રમાઈ રહેલી ત્રણ દિવસીય ઈન્ટ્રા સ્ક્વોડ મેચમાં ભાગ લઈ રહ્યો નથી. જો તે સિરીઝ માટે પરત નહીં ફરે તો ટીમ ઈન્ડિયા માટે તે મોટો ફટકો હશે. જોકે, બીસીસીઆઈએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

કોહલી ત્રણ દિવસ પહેલા ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઈની પરવાનગી લીધા બાદ મુંબઈ જવા રવાના થયો હતો અને પ્રિટોરિયામાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો ન હતો. તેની પાછળનું કારણ ફેમિલી ઈમરજન્સી હોવાનું કહેવાય છે. બીસીસીઆઇના સૂત્રોનું કહેવું છે કે તે સેન્ચુરિયનમાં ૨૬ ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સમયસર જ્હોનિસબર્ગ પરત ફરશે.

બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવા ઓપનર ગાયકવાડ આંગળીની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. ગાયકવાડને ૧૯ ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન-ડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે તે મેડિકલ ટીમની દેખરેખમાં છે. હવે એ વાત સામે આવી છે કે બેમાંથી એક પણ ટેસ્ટ મેચ પહેલા તેના સ્વસ્થ થવાની કોઈ શક્યતા નથી. ટીમ મેનેજમેન્ટે બીસીસીઆઈ સાથે વાત કર્યા બાદ તરત જ તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તે શનિવાર સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button