વિરાટે સસ્તામાં વિકેટ ગુમાવતાં જ ડ્રેસિંગ-રૂમમાં બેઠેલા રોહિતનું રિએક્શન થયું વાઇરલ…
ચેન્નઈ: અહીં ગુરુવારે શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પ્રારંભનો તબક્કો બાંગ્લાદેશનો હતો, પરંતુ ત્યાર પછી રમતના અંત સુધીનો આખો સમય ટીમ ઇન્ડિયાના નામે લખાયો હતો. મૅચના આરંભમાં બાંગ્લાદેશના ખેલાડીઓ ખૂબ હસ્યા અને નાચ્યા, પરંતુ છેલ્લું અટ્ટહાસ્ય ભારતનું હતું.
પાકિસ્તાનને એની જ ધરતી પર ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝમાં હરાવીને ભારત આવેલી બાંગ્લાદેશની ટીમનો યુવા પેસ બોલર હસન મહમૂદ ગુરુવારે શરૂઆતમાં સ્ટાર હતો તો યશસ્વી જયસ્વાલની 56 રનની કમાલની ઇનિંગ્સ બાદ સેન્ચુરી સાથે નૉટઆઉટ રહેનાર રવિચન્દ્રન અશ્ર્વિન સુપરસ્ટાર બન્યો હતો અને 86 રને રમી રહેલો રવીન્દ્ર જાડેજા તેના સપોર્ટિંગ રોલમાં હતો. જોકે એ પહેલાં, સવારની પળો ટીમ ઇન્ડિયા માટે ખૂબ નિરાશાજનક હતી. ખાસ કરીને વિરાટ કોહલીની વિકેટે ભારત તરફી કરોડો ક્રિકેટપ્રેમીઓને આંચકો આપ્યો હતો.
ભારતની ઇનિંગ્સની 10મી ઓવર બાંગ્લાદેશના હસન મહમૂદે કરી હતી જેના બીજા બૉલમાં ભારતના 34 રનના કુલ સ્કોર પર તેણે વિરાટ કોહલી (6 રન)ને વિકેટકીપર લિટન દાસના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
આપણ વાંચો: શું વાત છે, આવતા મહિને રમાનારી ટેસ્ટમાં રખાશે રેસ્ટ-ડે!
3હજી થોડી વાર પહેલાં કૅપ્ટન રોહિત શર્મા (6 રન) અને શુભમન ગિલ (0)ને પૅવિલિયનમાં મોકલી ચૂકેલા મહમૂદે કોહલીને ઑફ સ્ટમ્પની બહાર બૉલ ફેંકીને લલચાવ્યો હતો અને કોહલી તેનો શિકાર થઈ ગયો હતો. કોહલીના બૅટની એજ લાગી અને દાસે આસાન કૅચ પકડી લીધો હતો.
ખુદ કોહલી ભારે નિરાશા સાથે પાછો આવી રહ્યો હતો ત્યારે ડ્રેસિંગ-રૂમમાં બેઠેલા કૅપ્ટન રોહિતનો ચહેરો ગમગીન થઈ ગયો હતો. તે પોતાની વિકેટ સસ્તામાં ગુમાવી બેઠો હતો એના આઘાતમાંથી બહાર આવે એ પહેલાં ગિલ પણ પાછો આવી ગયો હતો અને કોહલી પર તેને ખૂબ ભરોસો હતો, પરંતુ એ પણ છ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો એટલે રોહિતના ચહેરા પર ભારે નિરાશા છવાઈ ગઈ હતી. જોકે યશસ્વી ક્રીઝમાં અડીખમ હતો એનો તેને આનંદ જરૂર હશે. કોહલીની વિકેટનો અને રોહિતની નિરાશાવાળો વીડિયો વાઇરલ થયો હતો.
ચેન્નઈમાં લાલ માટીની પિચ પર બાંગ્લાદેશે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી અને પછી 34 રનમાં ભારતની ત્રણ વિકેટ લઈ લીધી એટલે કૅપ્ટન નજમુલ શૅન્ટોનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.
જોકે પછીથી યશસ્વી, રિષભ પંત તેમ જ ખાસ કરીને આર. અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારી લીધી હતી અને રમતના અંતે ભારતનો સ્કોર છ વિકેટે 339 રન હતો. ભારતે આ પહેલાં રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડને 4-1થી હરાવ્યું હતું. જોકે બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનને એની જ ધરતી પર 2-0થી હરાવીને ભારત આવી છે.
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન:
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), કે. એલ. રાહુલ, રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ: નજમુલ શૅન્ટો (કૅપ્ટન), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, મુશ્ફીકુર રહીમ, મોમિનુલ હક, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાઝ, નાહિદ રાણા, તસ્કીન અહમદ અને હસન મહમૂદ.